Mon Sep 14 2026

Logo

અલી ખામેનેઈના અવસાન બાદ પુત્ર મૌતબાએ સંભાળી ઈરાનની કમાન

Tehran   2026-03-01 10:45:00
Author: Tejas Rajpara
અલી ખામેનેઈના અવસાન બાદ પુત્ર મૌતબાએ સંભાળી ઈરાનની કમાન

મધ્ય-પૂર્વના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. તેહરાન પર થયેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલે વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. 28 ફેબ્રુઆરીના રોજ થયેલા આ હુમલામાં સીધું જ ખામેનેઈના કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 86 વર્ષીય નેતાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ ઈરાની વહીવટીતંત્રે દેશમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે, સાથે જ આગામી સાત દિવસ સુધી જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

પિતાના અવસાનના ગણતરીના કલાકોમાં જ ઈરાને તેના નવા સુપ્રીમ લીડરના નામ પર મહોર મારી દીધી છે. અલી ખામેનેઈના પુત્ર મૌતબા ખામેનેઈને દેશના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. સત્તા હસ્તાંતરણની આ પ્રક્રિયા વચ્ચે સમગ્ર દેશમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મોટા શહેરો અને સંવેદનશીલ સરકારી ઈમારતો બહાર ચુસ્ત સૈન્ય બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેથી કોઈ પણ પ્રકારની આંતરિક અશાંતિને રોકી શકાય.

કોણ છે મૌતબા ખામેનેઈ?

મૌતબા ખામેનેઈનો જન્મ 1969માં મશહદ શહેરમાં થયો હતો. શરૂઆતથી જ તેઓ ધાર્મિક વાતાવરણમાં ઉછર્યા હતા. ઈરાન-ઈરાક યુદ્ધના અંતિમ તબક્કે તેમણે રિવોલ્યુશનરી ગાર્ડમાં રહીને સક્રિય સેવા આપી હતી. જોકે તેમણે ક્યારેય કોઈ મોટું જાહેર પદ સંભાળ્યું નહોતું, પરંતુ તેઓ વર્ષોથી પડદા પાછળ રહીને પિતાના મુખ્ય સલાહકાર તરીકે કામ કરતા હતા. દેશના સૈન્ય અને અર્ધલશ્કરી દળો પર તેમની મજબૂત પકડ હોવાનું મનાય છે.

2009ના આંદોલનો અને વારસામાં મળેલી સત્તા પર વિવાદ

મૌતબા ખામેનેઈનું નામ 2009માં થયેલા ભીષણ વિરોધ પ્રદર્શનો વખતે પ્રથમવાર ચર્ચામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે તે સમયે પ્રદર્શનોને દબાવવા માટે લેવાયેલા કડક નિર્ણયોમાં તેમની મુખ્ય ભૂમિકા હતી. હવે જ્યારે તેમને સર્વોચ્ચ નેતા બનાવવામાં આવ્યા છે, ત્યારે દેશમાં નવી ચર્ચા છેડાઈ છે. 1979ની ક્રાંતિ સમયે વંશવાદના આધારે સત્તા સોંપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક વિશ્લેષકો તેમના ચયન સામે સવાલ ઉઠાવી રહ્યા છે. 

વર્તમાન સંજોગોમાં મૌતબા ખામેનેઈ પાસે રિવોલ્યુશનરી ગાર્ડ અને સૈન્યનું સંપૂર્ણ સમર્થન છે, જે તેમને એક મજબૂત નેતા તરીકે સ્થાપિત કરે છે. જોકે, આંતરરાષ્ટ્રીય દબાણ અને દેશની અંદર ઉઠી રહેલા વિરોધના સૂર વચ્ચે તેમનું નેતૃત્વ ઈરાનને કઈ દિશામાં લઈ જશે તે જોવું રહ્યું. સત્તાના આ પરિવર્તનથી ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોમાં કેવા બદલાવ આવશે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.