તહેરાનઃ ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇનું 28 ફેબ્રુઆરીએ મોત થયું હતું. હવે મોતના 3 મહિનાથી વધુના સમય બાદ તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ઇરાનની સરકારે ખામેનઇના જનાજા માટે 3 દિવસના રાજકીય શોક અને સાર્વજનિક અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે. અંતિમ સંસ્કારને લઇને મોટા શહેરોમાં તૈયારીઓ શરુ કરવામાં આવી છે. તેહરાનના ડેપ્યુટી મેયર મોહમ્મદ અમીન તવાકોલી-ઝાદેહે આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થાઓની માહિતી આપી છે. ડેપ્યુટી મેયર તવાકોલી-ઝાદેહે જણાવ્યું કે ખામેનેઈની અંતિમ વિદાય યાત્રા દેશના ઘણા મોટા શહેરોમાંથી પસાર થશે.
ત્રણ શહેરોમાં નીકળશે શોક સરઘસ
આયાતુલ્લા અલી ખામેનેઈનું આ શોક સરઘસ રાજધાની તેહરાનની સાથે-સાથે દેશના મોટા ધાર્મિક કેન્દ્રો 'કોમ' અને 'મશહદ'માં કાઢવામાં આવશે. આ ત્રણેય શહેરોમાં સામાન્ય જનતા માટે મોટા પાયે જાહેર રેલીઓ અને પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવશે.
તેહરાનમાં 24 કલાક ચાલશે મુખ્ય કાર્યક્રમ
ખામેનેઈના અંતિમ સંસ્કારનો સૌથી મોટો કાર્યક્રમ રાજધાની તેહરાનમાં યોજાશે. એકલા તેહરાનમાં જ આ મુખ્ય સમારોહ સતત ઓછામાં ઓછા 24 કલાક સુધી ચાલશે. આ ઐતિહાસિક અને અત્યંત ભાવુક પ્રસંગે રાજધાનીમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવી એ વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો અંદાજ છે કે પોતાના સર્વોચ્ચ નેતાને અંતિમ વિદાય આપવા માટે તેહરાનમાં આશરે 2 કરોડ લોકો એકઠા થઈ શકે છે. આટલી મોટી ભીડને સંભાળવા અને તેમના રોકાણ માટે મોટા પાયે સાધન-સામગ્રી તથા સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
30 વર્ષથી વધુ શાસનનો અંત
આયાતુલ્લા અલી ખામેનેઈ 86 વર્ષના હતા. તેમના ઘરની ઓફિસ પર હુમલો થયો હતો અને આ હુમલામાં તેમનો જીવ ગયો. આ સાથે જ ઈરાન પર તેમનું 30 વર્ષથી વધુનું શાસન સમાપ્ત થઈ ગયું. તેઓ દેશના સૌથી શક્તિશાળી નેતા હતા. તેમના અવસાન પર ઈરાનમાં અલગ-અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક લોકો આઘાત અને દુઃખમાં હતા, તો કેટલાક ભાગોમાં ઉજવણી પણ મનાવવામાં આવી હતી. હવે તેમના પુત્ર આયાતુલ્લા મોજતબા ખામેનેઈને નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જો કે, પદ સંભાળ્યા પછી તેઓ હજુ સુધી જનતાની સામે આવ્યા નથી.