નવી દિલ્હીઃ ઈરાન અમેરિકા વચ્ચે માત્ર શસ્ત્રોથી જ યુદ્ધ નથી થઈ રહ્યું, અમેરિકાની કંપની પર સાયબર હુમલો પણ કરવામાં આવ્યો છે. ઈરાન સાથે જોડાયેલા એક હેકર ગ્રૂપે અમેરિકાની કંપની પર સાયબર હુમલો કરી દીધો છે. ઈરાન સાથે જોડાયેલા આ હેકર ગ્રૂપે સાયબર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો.અમેરિકાની મેડિકલ ટેક્નોલોજી બનાવતી કંપની પર હુમલો કરવામાં આવ્યો હતો.
સર્વરનો ખાતમો બોલાવી દીધો
રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ હુમલામાં 2 લાખથી વધુ કમ્પ્યુટર સિસ્ટમ, સર્વર અને મોબાઈલ ડિવાઈસને માઠી અસર થઈ છે. આના કારણે કંપનીના કેટલાક વૈશ્વિક કામકાજ પણ અટકી ગયા છે. 11 માર્ચના રોજ Stryker નામની અમેરિકાની કંપની પર સાયબર હુમલો કરવામાં આવ્યો છે. કંપનીના વૈશ્વિક ધોરણે કેટલાક બીજા દેશ સાથેના આઈટી ઑપરેશન પણ બંધ થઈ ગયા હતા.
ઈરાન અને અમેરિકા વચ્ચે જ્યારે તણાવગ્રસ્ત સ્થિતિ છે એવા સમયે આ સાયબર હુમલો થયો છે. આ સાયબર હુમલો કરનારા ગ્રૂપે જણાવ્યું હતું કે, આ હુમલો મિનાબ સ્કૂલ પર કરાયેલા અમેરિકાના હુમલાનો બદલો છે. 28મી ફેબ્રુઆરીએ અમેરિકાની મિસાઈલથી મિનાબની એક પ્રાથમિક સ્કૂલમાં હુમલો કરાયો હતો, જેમાં 180 બાળકના મૃત્યું થયા હતા.
ડેટા ચોરી લીધો
હેકર ગ્રુપે એવો પણ દાવો કર્યો હતો કે કંપનીના 51 ટેરાબાઈટ ચોરી લેવામાં આવ્યા છે. 2 લાખથી વધુ કમ્પ્યુટર, સર્વસ અને બીજી સિસ્ટમ ખરાબ કરી નાંખી છે. વેરિફોન નામની એક પેમેન્ટ એપ્લિકેશન પણ ખતમ કરી નાંખી છે.
સાયબર સુરક્ષા કંપની ચેકપોઈન્ટ અનુસાર આ ગ્રુપને હંડાલા હેકને વોઈડ મેટિકોર નામથી ટ્રેક કરાયું છે. એવું પણ માનવામાં આવે છે કે, આ ગ્રુપ ઈરાનની જાસુસી સંસ્થા અને સુરક્ષા મંત્રાલય સાથે જોડાયેલું છે. આ ગ્રુપના અન્ય નામ રેડ સેન્ડસ્ટ્રોમ, બેનિશ્ડ કિટન, કર્મા અને હોમલેન્ડ જસ્ટિસ છે. આ જૂથ ‘Viper Attack’ નામની ટેકનિકનો ઉપયોગ કરે છે, જેમાં કમ્પ્યુટર અને સર્વરના ડેટા ભૂંસાઈ જાય છે.
સંવેદનશીલ માહિતી ચોરી લીધી
હેકર્સ પહેલા સંવેદનશીલ માહિતી ચોરી લે છે અને ક્યારેક તેને જાહેર પણ કરી દે છે. ઘણીવાર આ જૂથ નકલી ઈમેલ અથવા સોફ્ટવેર અપડેટ મોકલી કર્મચારીઓને ભ્રમમાં મૂકે છે અને સિસ્ટમ સુધી પહોંચ મેળવી લે છે. Handala નામ ફલિસ્તીની કાર્ટૂન પાત્ર હેન્ડાલા પરથી લેવામાં આવ્યું છે, જેને પ્રતિકારનો પ્રતીક માનવામાં આવે છે.
આ જૂથ પ્રથમ વખત વર્ષ 2023 ના અંતે સામે આવ્યું હતું. શરૂઆતમાં તેને પેલેસ્ટાઈનના સમર્થક હેક્ટિવિસ્ટ જૂથ માનવામાં આવતું હતું. તેમ છતાં, સાયબર સલામતી નિષ્ણાતો કહે છે કે હવે આ જૂથ ઈરાન સરકાર સાથે સંકળાયેલા એક મુખ્ય સાયબર હથિયાર બની ગયો છે.