અમદાવાદઃ ઈરાન અમેરિકા - ઈઝરાયલ યુદ્ધનું સંકટ માત્ર ગેસ પૂરતું સીમિત નથી , ભારતના એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓ અને ફ્રેઈટ કંપનીઓ સંકટમાં આવી ગઈ છે, તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિપિંગ કંપનીઓ દ્વારા ૨૦ ડિવિ (ફૂટ)કન્ટેનર ઉપર ૨૦૦૦ ડોલર અને ૪૦ ડિવિ(ફૂટ) ઉપર ૪૦૦૦ ડોલરનો વધારો નાખી દેવામાં આવ્યો છે. ભારતનો મશીનરી, ગારમેન્ટ, ખાધ્ય સામગ્રી સહિત મોટા પ્રમાણમાં પશ્ચિમ એશિયાના દેશો જોડે એક્સપોર્ટનો વેપાર છે જેમાં યુ.એ.ઈ, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, કતાર અને ઇરાક જેવા દેશોનો સમાવેશ થાય છે.
જ્યાં એક્સપોર્ટર્સ ઉપર એકબાજુ ૨૦૦૦ થી ૪૦૦૦ ડોલર વોર કન્ટીજન્સી રિકવરી નાખી દેવામાં આવી છે ત્યાં બીજી બાજુ રિજિયોનલ કન્ટેનર લાઇન્સ દ્વારા શિપમેન્ટના જનરલ રેટ વધારી દેવામાં આવ્યા છે. યુદ્ધની કટોકટીના સમયમાં ભાવવધારો અને વોર રિસ્ક સર્જન્સીના લીધે એક્સપોર્ટર્સને કરોડો રૂપિયાનું નુકશાન થવાનું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ નિર્ણય માત્ર યુદ્ધની શરૂઆત થઈ તે બાદ પૂરતો સીમિત નથી તે પહેલા જે જહાજો નીકળીને દરિયાની વચ્ચે છે તેને પણ લાગુ કરવામાં આવ્યો છે, જેના બુકિંગ થઈ ગયા હોય તેને લાગું પડશે. ગુજરાત રાજ્યમાં ૬ થી ૭ જેટલા જહાજોમાં એક્સપોર્ટરોના ૧૨૦૦૦ કરતા વધુ કન્ટેનરોને ૨૫૦ કરોડ થી ૫૦૦ કરોડની વોર રિસ્ક સર્જન્સી ભરપાઈ કરવી પડશે, તેવો દાવો તેમણે કર્યો હતો.
કોંગ્રેસ પક્ષ દ્વારા પોર્ટ અને શિપિંગ મંત્રીને દેશના એક્સપોર્ટરો અને કસ્ટમ હાઉસ એજન્ટો વતી કરોડો રૂપિયાના યુદ્ધના દંડથી બચાવવાં માટે રજૂઆત કરવામાં આવશે અને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એક્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકો ઉપર કટોકટીના લીધે કરોડો રૂપિયાના અણધાર્યા બોજ માટે સંસદમાં રજૂઆત તેવા પ્રયાસો કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.