Tue Mar 10 2026

Logo

ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાથી ક્રુડ 110 ડોલરે પહોંચવાની શક્યતા, હોર્મુઝની ખાડી કેમ મહત્વની ?

Tehran   1 week ago
Author: Mayur Kumar
Article Image

તેહરાનઃ અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો છે. ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાથી ક્રુડ 110 ડોલરે પહોંચવાની શક્યતા છે. હોર્મુઝની ખાડી વૈશ્વિક ક્રુડ અને લિક્વિફાઈડ નેચરલ ગેસના પ્રવાહમાં મોટો હિસ્સો ધરાવે છે, જે તેને ઈરાન સાથે સંકળાયેલા કોઈપણ સંઘર્ષમાં એક વ્યૂહાત્મક હથિયાર બનાવે છે.  ઈરાન જો હોર્મુઝની ખાડી બંધ કરે તો ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થઈ શકે છે અને ભાવ 110 ડોલર પ્રતિ બેલર સુધી પહોંચી શકે છે. 

ઈરાન દરરોજનું 33 લાખ બેરલનું ઉત્પાદન કરે છે. જે વૈશ્વિક પુરવઠાના ત્રણ ટકા જેટલું છે. વર્તમાન સ્થિતિને જોતાં જો પુરવઠામાં એક ટકાનો ઘટાડો થાય તો કિંમતમાં 3 થી 5 ટકાનો વધારો થઈ શકે છે. ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ક્રુડ આયાત કરે છે. જેમાં ખાડી દેશો સાઉદી અરબ, યુએઈ, ઈરાક સામેલ છે. અહીંથી આવતું ક્રુડ હોર્મુઝ ખાડીમાંથી પસાર થાય છે. અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં ઈરાન આજે પણ વિશ્વના ટોચના 10 ઓઈલ ઉત્પાદક દેશોમાં સામેલ છે.

ઓપેકેના આંકડા મુજબ, ઈરાન વર્તમાનમાં આશરે 3.1 મિલિયન બેરલ પ્રતિદિન ઓઈલનું ઉત્પાદન કરે છે. 1974માં ઈરાન, અમેરિકા અને સાઉદી અરબ બાદ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ હશો. ઈરાન પાસે ખૂબ મોટો ક્રુડ ઓઈલનો ભંડાર છે, વર્ષોથી અમેરિકાના પ્રતિબંધો છતાં અન્ય ઓઈલ ઉત્પાદક દેશોની સરખામણીમાં ઈરાનની સ્થિતિ ખૂબ સારી છે.

હોર્મુઝની ખાડી: સૌથી મોટું જોખમ

ઓઈલ બજાર માટે સૌથી મોટું જોખમ હોર્મુઝની ખાડીની નાકાબંધી છે, જેને ઠપ કરવાની ધમકી ઈરાન વારંવાર આપતું રહ્યું છે. આ મધ્ય પૂર્વના સમૃદ્ધ ઓઈલ ઉત્પાદક દેશોને બાકીના વિશ્વ સાથે જોડતો મુખ્ય દરિયાઈ માર્ગ છે. અમેરિકાના EIA અનુસાર, 2024 માં આ માર્ગ પરથી દરરોજ લગભગ 20 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ પસાર થયું હતું, જે વૈશ્વિક વપરાશના લગભગ 20 ટકા છે. આ જળમાર્ગ ઘણો સાંકડો (આશરે 50 કિમી પહોળો) અને છીછરો (મહત્તમ 60 મીટર ઊંડો) છે.

આ માર્ગ પર સુરક્ષાને લઈને જરા પણ શંકા ઊભી થતા જ જહાજોના વીમા પ્રીમિયમમાં મોટો ઉછાળો આવી શકે છે. સૂત્રો અનુસાર, માત્ર સાઉદી અરેબિયા અને UAE પાસે જ વૈકલ્પિક  ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેની મહત્તમ ક્ષમતા માત્ર 2.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ છે. પશ્ચિમી દેશો કેનેડા, અમેરિકામાં જ્યાં ઓઈલ કાઢવાનો ખર્ચ બેરલ દીઠ 40 થી 60 ડોલર આવે છે, ત્યાં ઈરાન માટે આ ખર્ચ માત્ર 10 ડોલર પ્રતિ બેરલ છે. 1979ની ઈસ્લામી ક્રાંતિ અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને કારણે ઈરાન પાસે નિકાસ માટે ખૂબ ઓછા વિકલ્પો બચ્યા છે.

ચીન સૌથી મોટું ખરીદનાર

ઈરાન હાલમાં દરરોજ 1.3 થી 1.5 મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે. અમેરિકી પ્રતિબંધોને કારણે તેનો 80 ટકાથી વધુ હિસ્સો બજાર કિંમત કરતા ઓછી કિંમતે ચીની રિફાઇનરીઓનેજાય છે.

પડોશી દેશો અને વૈશ્વિક અર્થતંત્ર પર અસર

ખાડી દેશોથી લઈને તુર્કી અને પાકિસ્તાન સુધી, ઈરાનના પડોશી દેશો ડરેલા છે. કારણ કે આ દેશોમાં અમેરિકી સૈન્ય મથકો આવેલા છે, તેથી તેઓ ઈરાનના વળતા હુમલાના નિશાના પર આવી શકે છે. મેડિટેરેનિયન ફાઉન્ડેશન ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર પિયરે રઝૌક્સના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે એવી મીડિયમ રેન્જની મિસાઈલો છે જે હાઈડ્રોકાર્બન હબ, પાવર પ્લાન્ટ્સ અને દરિયાઈ પાણીને શુદ્ધ કરતા પ્લાન્ટ્સને નષ્ટ કરી શકે છે.

જો ક્રુડ ઓઈલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે તો તેનાથી વિશ્વભરમાં મોંઘવારી ફરીથી બેકાબૂ બની શકે છે. ઓઈલની વધતી કિંમતો આ વર્ષના અંતમાં યોજાનારી અમેરિકી મિડ ટર્મ ચૂંટણીમાં પ્રમુખ ટ્રમ્પને નુકસાન પહોંચાડી શકે છે.