Fri Sep 04 2026

Logo

ઈરાને કહ્યું ક્રુડ ઓઈલનો વધારાનો જથ્થો નથી, વૈશ્વિક બજારમાં અનિશ્ચિતાઓ વધી

Tehran   2026-03-21 17:39:00
Author: Chandrakant Kanoja
ઈરાને કહ્યું ક્રુડ ઓઈલનો વધારાનો જથ્થો નથી, વૈશ્વિક બજારમાં અનિશ્ચિતાઓ વધી

તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના કબજા બાદ વિશ્વના ક્રુડ ઓઈલ પુરવઠો ઘટી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાએ  ઈરાન પર ક્રુડ ઓઈલ સપ્લાય પર મુકેલા પ્રતિબંધમાં આંશિક છુટ આપી છે. જોકે, તેની બાદ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે તેની પાસે ક્રુડ ઓઈલનો વધારાનો જથ્થો નથી. જેના લીધે ક્રુડ ઓઈલના વૈશ્વિક બજારમાં અનિશ્ચિતાઓ વધી છે. 

વૈશ્વિક ઉર્જા બજારોને સ્થિર કરવા માટે  રાહત

જેમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી દ્વારા વૈશ્વિક ઉર્જા બજારોને સ્થિર કરવા માટે આ રાહત આપવામાં આવી છે. આ મુક્તિ એવા જહાજોને લાગુ પડશે જેના પર 20 માર્ચ, 2026 સુધીમાં ક્રૂડ ઓઇલ લોડ કરવામાં આવ્યું છે. તેમજ  19 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે.

તેમજ અમેરિકામાં  ઇરાની ક્રુડ ઓઈલ  આયાતને પણ મંજુરી આપવામાં આવશે.  યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય પુરવઠાના દબાણને ઓછો કરવાનો છે.

ચીન ઓછી કિંમતે પ્રતિબંધિત ઈરાની તેલનો સંગ્રહ કરી રહ્યું છે

તેમજ અમેરિકાનો અંદાજ હતો કે આ છૂટથી બજારમાં તાત્કાલિક આશરે 140 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આવશે. બેસન્ટે દાવો કર્યો હતો કે ચીન ઓછી કિંમતે પ્રતિબંધિત ઈરાની તેલનો સંગ્રહ કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હોર્મુઝ સ્ટ્રેટમાં સંભવિત અડચણોને ઘટાડવા માટે વધારાના 440 મિલિયન બેરલ તેલ લાવવા માંગે છે.

ખરીદદારોને ખાતરી આપવા માટે એક  તુક્કો ગણાવ્યો

ઈરાનના તેલ મંત્રાલયે અમેરિકાના આ પગલાને સખત રીતે નકારી કાઢ્યું છે. મુંબઈમાં ઈરાનના કોન્સ્યુલેટે સ્પષ્ટતા કરી હતી કે કોઈ વધારાનું ક્રુડ ઓઈલ  ઉપલબ્ધ નથી. ઈરાને યુએસ ટ્રેઝરી સેક્રેટરીની ટિપ્પણીને ફક્ત ખરીદદારોને ખાતરી આપવા માટે એક  તુક્કો ગણાવ્યો  હતો.