Tue Oct 06 2026

Logo

'ભારત એક માત્ર દેશ છે, જેણે ખલાસીઓ ગુમાવ્યા છે', હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ભારતની અપીલ

2026-04-03 11:30:00
Author: Savan Zalariya
'ભારત એક માત્ર દેશ છે, જેણે ખલાસીઓ ગુમાવ્યા છે', હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ભારતની અપીલ

Photo Credit: Reuters


નવી દિલ્હી: યુએસ-ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગઈ કાલે ગુરુવારે ઈરાને ભારતને ખાતરી આપી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો સુરક્ષિત રહેશે. એવામાં ભારતે માંગ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવામાં આવે. આ દરમિયાન ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે અખાતમાં વેપારી શિપિંગ જહાજો પરના હુમલાઓમાં ખલાસીઓ ગુમાવનાર ભારત એકમાત્ર દેશ છે. 

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાન પર દબાણ બનાવવા માટે યુનાઇટેડ કિંગડમે એક બેઠક બોલાવી હતી. 60થી વધુ દેશોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના માર્ગો શોધવાનો હતો, આ બેઠક યુએસએ આ બેઠકમાં ભાગ લીધો ન હતો. બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કર્યું હતું. તેમણે જહાજોની અવરજવર સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો.

વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ભારતને મળતા પેટ્રોલિયમ પુરવઠાને માઠી અસર પહોંચી છે. આ દરમિયાન તેમણે કહ્યું, "ભારત એકમાત્ર એવો દેશ છે જેણે અખાતમાં વેપારી શિપિંગ જહાજો પરના હુમલાઓમાં ખલાસીઓ ગુમાવ્યા છે".

વિક્રમ મિશ્રીએ એમ પણ જણાવ્યું કે "આ કટોકટીમાંથી બહાર નીકળવાનો માર્ગ એ છે કે તણાવ ઓછો કરવામાં આવે તમામ સંબંધિત પક્ષોએ રાજદ્વારી અને સંવાદના માર્ગ પસંદ કરવો જોઈએ."
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ શરુ થયેલા સંઘર્ષમાં આઠ ભારતીયોના મોત થયા છે, જેમાં ત્રણ ખલાસીઓનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ લગભગ 1 કરોડ ભારતીય નાગરિકો મધ્ય પૂર્વના દેશોમાં રહે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું,  "આ બધા દેશોમાં અમારા દૂતાવાસો તેમની સાથે સતત સંપર્કમાં રહે છે."