Fri Apr 17 2026

Logo
IPL 2026:

કોહલી એક રનથી ફિફટી ચૂકતાં અનુષ્કા શર્મા થઈ નિરાશ, રિએક્શન થયું વાયરલ

2026-04-16 10:36:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ગઈકાલે બેંગ્લૂરુ અને લખનઊ વચ્ચે મુકાબલો રમાયો હતો. લખનઊ 20 ઓવરમાં 146 રન બનાવી ઓલઆઉટ થયું હતું. બેંગ્લૂરુએ 15.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 149 રન બનાવીને ટાર્ગેટ પાર પાડ્યો હતો.

બેંગ્લૂરુની જીતમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલી ચર્ચામાં રહ્યો હતો. તે એક રન માટે 66મી અડધી સદી ચૂક્યો હતો.  તેણે 34 બોલમાં 49 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. કોહલી તેની ફિફ્ટી નજીક હતો ત્યારે એક મોટો શોટ રમવાની કોશિશ કરી હતી. લોંગ ઓન પર આવેશ ખાનની બોલિંગમાં નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ થયો હતો.

આ સમયે સ્ટેડિયમમાં હાજર તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણી નિરાશ થઈ હતી. તેનું રિએકશન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. કોહલી આઉટ થયો છે તેવો તેને વિશ્વાસ જ નહોતો થયો.
 

બેંગ્લૂરુના વિજયમાં કૅપ્ટન રજત પાટીદારનું 27 રનનું, વિકેટકીપર જિતેશ શર્માનું 23 રનનું તેમ જ ટિમ ડેવિડ તથા રોમારિયો શેફર્ડનું અણનમ 14-14 રનનું યોગદાન હતું. દેવદત્ત પડિક્કલ ફક્ત 10 રન અને ઓપનર ફિલ સૉલ્ટ સાત રન કરી શક્યો હતો. લખનઊ વતી પેસ બોલર્સ પ્રિન્સ યાદવે ત્રણ અને આવેશ ખાને બે વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીએ આ વખતે સૌથી વધુ 228 રન બદલ ઑરેન્જ કૅપ મેળવી છે. બેંગ્લૂરુએ પાંચ મૅચમાં કુલ ચોથી જીત મેળવીને રાજસ્થાનના કબજામાંથી અવ્વલ સ્થાન છીનવી લીધું હતું. રાજસ્થાનની જેમ બેંગ્લૂરુના પણ આઠ પૉઇન્ટ છે, પરંતુ રાજસ્થાનના +0.889ના રનરેટ સામે બેંગ્લૂરુનો રનરેટ +1.503 છે.