આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. વિશ્વભરમાં પ્રીમિયમ સ્માર્ટફોન તરીકે જાણીતા આઇફોનનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. જોકે, મોટાભાગના આઇફોન યુઝર્સની એક સામાન્ય ફરિયાદ હોય છે કે હેવી યુસેજ કે સમય જતાં તેમના ફોનની બેટરી અપેક્ષા કરતાં ઘણી ઝડપથી ખતમ થઈ જાય છે. જો તમારા આઇફોનની બેટરી પણ ઝડપથી ડાઉન થઈ રહી હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. એપલ દ્વારા એફિશિયલ રીતે આઇફોનની બેટરી લાઇફ અને બેટરી હેલ્થ લાંબા સમય સુધી જાળવી રાખવા માટે ૫ સરળ અને અત્યંત અસરકારક ટિપ્સ સૂચવવામાં આવી છે.
આઇફોનને હંમેશાં લેટેસ્ટ iOS વર્ઝન પર અપડેટ રાખો:
એપલની સૌથી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા મુજબ, ડિવાઇસને હંમેશાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર રાખવું જરૂરી છે.
નવા iOS અપડેટ્સમાં અદ્યતન બગ ફિક્સિસ અને પાવર-સેવિંગ ફીચર્સ આપવામાં આવે છે, જે સિસ્ટમનું બેટરી ડ્રેઈન ઘટાડવામાં સીધી મદદ કરે છે.
અપડેટ કરવાની રીત: Settings માં જઈ General પર ક્લિક કરો અને Software Update પસંદ કરીને લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
અતિશય તાપમાન અને ગરમીથી ફોનને બચાવો:
તાપમાનની અસર આઇફોનની બેટરી ક્ષમતા પર સૌથી વધુ પડે છે. એપલ અનુસાર, આઇફોન માટે 16 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન આદર્શ ગણાય છે. યુઝર્સે 35 ડિગ્રીથી વધુ તાપમાનવાળા વાતાવરણમાં ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સીધા સૂર્યપ્રકાશમાં કે બંધ ગરમ કારમાં ફોન મુકી રાખવાથી બેટરીની ક્ષમતા કાયમી ધોરણે ઘટી શકે છે.
વધુ પડતી ગરમીમાં ચાર્જિંગ ટાળો:
અતિશય ગરમ વાતાવરણમાં આઇફોનને ચાર્જ કરવાથી બેટરી હેલ્થ ઝડપથી બગડી શકે છે. જો ચાર્જિંગ વખતે બેટરીનું તાપમાન નિર્ધારિત મર્યાદાથી વધી જાય, તો આઇફોનનું સોફ્ટવેર સુરક્ષા હેતુથી ચાર્જિંગને આપોઆપ 80 ટકા પર અટકાવી દે છે. બીજી તરફ, ખૂબ ઠંડા વાતાવરણમાં પણ બેટરી લાઇફ કામચલાઉ ઘટી શકે છે, જોકે સામાન્ય તાપમાનમાં આવતાં જ તે રાબેતા મુજબ થઈ જાય છે.
ચાર્જિંગ દરમિયાન જાડું બેક કવર દૂર કરો:
કેટલાક જાડા અથવા અયોગ્ય મટીરિયલવાળા કેસ ચાર્જિંગ વખતે ફોનમાંથી ઉત્પન્ન થતી કુદરતી ગરમીને બહાર નીકળવા દેતા નથી. જો ચાર્જિંગ વખતે ફોન અસામાન્ય રીતે ગરમ થતો જણાય, તો તરત જ બેક કવર હટાવી દેવું જોઈએ. વારંવાર ઓવરહિટીંગ થવાથી બેટરીના સેલ કાયમી ધોરણે ડેમેજ થાય છે.
લાંબા સમય માટે સ્ટોર કરતી વખતે બેટરી 50 ટકા રાખો:
જો તમે તમારા આઇફોનનો ઘણા મહિનાઓ સુધી ઉપયોગ ન કરવાના હો, તો તેને ક્યારેય 100 ટકા ફુલ ચાર્જ કે 0 ટકા ખાલી કરીને ન મુકો.
ફોનને લાંબા સમય માટે સ્ટોર કરતા પહેલાં બેટરી લગભગ 50 ટકા ચાર્જ રાખવી જોઈએ.
સંપૂર્ણ ડિસ્ચાર્જ સ્થિતિમાં ફોન રાખવાથી બેટરી ‘ડીપ ડિસ્ચાર્જ’ સ્ટેટમાં જઈ શકે છે અને ક્યારેય ફરી ચાર્જ ન થાય તેવી શક્યતા રહે છે. ફોનને સ્વિચ ઓફ કરીને 32 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનવાળી સૂકી જગ્યાએ સ્ટોર કરો.