Mon Oct 05 2026

Logo

ઇસરોના PSLV રોકેટ મિશનની નિષ્ફળતા અંગે તપાસ શરુ, નિવૃત્ત વૈજ્ઞાનિકોની ટીમ બનાવાઈ...

2026-02-25 16:53:02
Author: Chandrakant Kanoja
ઇસરોના PSLV રોકેટ મિશનની નિષ્ફળતા અંગે તપાસ શરુ, નિવૃત્ત વૈજ્ઞાનિકોની ટીમ બનાવાઈ...

PTI


નવી દિલ્હી : ઈસરોના PSLV રોકેટ મિશનની નિષ્ફળતા અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. આની તપાસ માટે ઈસરોના નિવૃત્ત  વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી છે. જે આ મિશનની  નિષ્ફળતા અંગેના કારણોની વિગતવાર તપાસ કરશે. જેમાં વર્ષ 2026માં જાન્યુઆરી માસમાં  ઇસરો દ્વારા લોન્ચ કરાયેલ PSLV-C62 રોકેટ એક મોટી ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ ગયું હતું. આ પૂર્વે મે 2025માં પણ  PSLV-C61 ને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. 

તપાસ દેશના બે ટોચના વૈજ્ઞાનિકો સોમનાથ અને કે. રાઘવન કરશે 

ભારતના અવકાશ મિશન એક પછી એક કેમ નિષ્ફળ થઈ રહ્યા છે તેની તપાસ દેશના બે ટોચના વૈજ્ઞાનિકો સોમનાથ અને કે. રાઘવન કરશે. ઇસરોના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે ટીમ એ પણ તપાસ કરશે કે શું નિષ્ફળતાઓ પાછળ કોઈ ઓર્ગેનાઈઝેશનલ  કારણો તો નથી. 

32 વર્ષમાં પ્રથમ વાર સતત બે મિશન નિષ્ફળ ગયા 

ઈસરો દ્વારા જાહેર  કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે PSLV લોન્ચ વ્હીકલ સાથે થયેલી વિસંગતતાના કારણોની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સ્તરની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે.  PSLV ના લગભગ 32 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે સતત બે મિશન નિષ્ફળ ગયા છે. ગત વર્ષે, 18 મે, 2025 ના રોજ, PSLV C-61 એ C-બેન્ડ સિન્થેટિક એપરચર રડાર સેટેલાઇટ EOS-09 લોન્ચ કર્યું હતું, જેનો હેતુ દેશની સરહદોની દેખરેખ અને દુશ્મન સ્થાનોનું મેપિંગ કરવાનો હતો. જો કે, લોન્ચ થયાના લગભગ 6 મિનિટ અને 20 સેકન્ડ પછી, PSLV તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું.

ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં અવરોધ ઉભો થયો

જયારે અન્ય એક મિશન  12 જાન્યુઆરી, 2026 ના રોજ, PSLV C-62 પણ લોન્ચ થયાના લગભગ 6 મિનિટ અને 20 સેકન્ડ પછી તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું. જેના લીધે ડીઆરડીઓના હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ EOS N-1 સહિત 15 અન્ય ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં અવરોધ ઉભો થયો હતો. 

બીજી નિષ્ફળતા ISROને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે

ઇસરોને એ વાતથી રાહત છે કે  PSLV નિષ્ફળતાએ ભવિષ્યના લોન્ચ પર ખાસ અસર કરી નથી. તેમજ  આગામી લોન્ચ તારીખ  વિશ્લેષણ પછી જ  જાહેર કરાશે. જો કે, બીજી નિષ્ફળતા ISROને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, પ્રથમ વખત, એક બાહ્ય સમિતિ, આંતરિક સમિતિ સાથે નિષ્ફળતાના દરેક પાસાની નજીકથી તપાસ કરી રહી છે.