દર વર્ષે આઠમી માર્ચના રોજ દુનિયાભરમાં ઈન્ટરનેશનલ વુમેન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. વુમેન્સ ડેનું સેલિબ્રેશન માત્ર મહિલાઓને ગુલાબ, સુંદર મોંઘી ગિફ્ટ્સ આપવી કે પછી તેમને એક દિવસ સ્પેશિયલ ફીલ કરાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ દિવસ સ્ત્રીઓના સંઘર્ષ, સમાનતા અને તેમના અસ્તિત્વના ગૌરવનો પોંખવાનો ઉત્સવ છે. તમને જાણીને નવાઈ લાગશે કે 100થી વધુ દેશોમાં ઉજવાતા આ દિવસનો ઈતિહાસ લોહી અને પરસેવાથી સીંચાયેલો છે. ચાલો આજે વુમેન્સ ડેની પૂર્વ સંધ્યાએ ડોકિયું કરીએ વુમેન્સ ડેની ઉજવણી પાછળના ઈતિહાસમાં...
મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ અને 8 માર્ચ જ કેમ પસંદ કરવામાં આવી? આના રસપ્રદ ઈતિહાસ વિશે વાત કરીએ. ન્યૂયોર્કની ગલીઓથી શરૂ થયેલું આંદોલન અને 'રોટી-શાંતિ'ના સંઘર્ષની ગાથા છે વુમેન્સ ડે. આજે આપણે જે મહિલા અધિકારો જોઈએ છીએ, તેની પાછળ વર્ષો જૂના મજૂર આંદોલનો અને હજારો મહિલાઓનો અવાજ રહેલો છે. આ આંતરરાષ્ટ્રીય દિવસના મૂળ 20મી સદીના મજૂર આંદોલનમાં છુપાયેલા છે.
એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં અંદાજે 15,000 મહિલાઓએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. કામના કલાકો ઘટાડવા, સારો પગાર આપવો અને સૌથી મહત્વનું - મતદાનનો અધિકાર આપવો. આ આંદોલનના પરિણામે 1909માં અમેરિકામાં પહેલી જ વખત 'રાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ 1910માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં કામકાજી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જર્મનીના સામાજિક કાર્યકર ક્લેરા જેટકિને દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 17 દેશોની 100 મહિલાઓએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
international women's
હવે વાત કરીએ આઠમી માર્ચ જ કેમ એની તો એની પાછળ રશિયાની એક મોટી ઘટના જવાબદાર છે. વર્ષ 1917માં રશિયાની મહિલાઓએ 'બ્રેડ એન્ડ પીસ' (રોટી અને શાંતિ)ની માંગણી સાથે હડતાળ શરૂ કરી દીધી હતી. ધીરે ધીરે આ આંદોલન એટલું બધું ઉગ્ર બની ગયું કે રશિયાના સમ્રાટે સત્તા છોડવી પડી હતી. એ સમયે રશિયામાં 'જુલિયન કેલેન્ડર' ચાલતું હતું, જેમાં તારીખ 23 ફેબ્રુઆરી હતી. પરંતુ પશ્ચિમી દેશોમાં પ્રચલિત 'ગ્રેગોરિયન કેલેન્ડર' મુજબ તે દિવસ 8 માર્ચ હતો. ત્યારથી આ તારીખ વિશ્વભરમાં મહિલા દિવસ તરીકે નક્કી થઈ ગઈ.
સંયુક્ત રાષ્ટ્ર (UN)ને આપી મંજૂરી
વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. ત્યાર બાદ 1977માં સંયુક્ત રાષ્ટ્રે તમામ સભ્ય દેશોને 8મી માર્ચના રોજ 'મહિલા અધિકાર અને વિશ્વ શાંતિ' માટે સમર્પિત દિવસ તરીકે ઉજવવા માટે આહ્વાન કર્યું.
શા માટે જરૂરી છે આ દિવસ?
મહિલા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ જેન્ડર ઈક્વાલિટી લાવવી, મહિલાઓના સામાજિક-આર્થિક વિકાસની ચર્ચા કરવી અને સમાજમાં તેમને સન્માનજનક સ્થાન અપાવવાનો છે. દર વર્ષે આ દિવસ એક ખાસ 'થીમ' સાથે ઉજવવામાં આવે છે જેથી વિશ્વનું ધ્યાન મહિલાઓના ચોક્કસ પ્રશ્નો પર કેન્દ્રિત કરી શકાય.