નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત ચાલી રહેલા યુદ્ધના લીધે વિશ્વભરમાં ક્રુડ ઓઈલના ભાવના વધારો થયો છે. જેની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે. જેમાં ઓઈલ કંપનીઓએ પ્રીમીયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. તેની બાદ હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પણ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં લીટરે રૂપિયા 21. 92 વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ઔદ્યોગિક ડીઝલનો ભાવ ₹87.67 પ્રતિ લિટરથી વધારીને ₹109.59 પ્રતિ લિટર કર્યો છે. આ નિર્ણયથી ઔદ્યોગિક ક્ષેત્ર, લોજિસ્ટિક્સ અને પરિવહનના ખર્ચ પર અસર થવાની ધારણા છે.
સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી
સામાન્ય ગ્રાહકો માટે રાહતનો એક સ્ત્રોત એ છે કે, હાલમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિશ્લેષકો માને છે કે ઇંધણના ખર્ચમાં આટલો વધારો આડકતરી રીતે સામાન્ય ગ્રાહકોને પણ અસર કરી શકે છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન અને માલ પરિવહન વધુ મોંઘું થાય છે, ત્યારે તેની અસર આખરે માલ અને સેવાઓના ભાવમાં પ્રતિબિંબિત થાય છે, જે સંભવિત રીતે ફુગાવાના દબાણમાં વધારો કરે છે.
વધઘટની સીધી અસર સ્થાનિક ઇંધણના ભાવ પર
ભારત તેની ક્રુડ ઓઈલ જરૂરિયાતોનો નોંધપાત્ર ભાગ આયાત કરે છે.તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટની સીધી અસર સ્થાનિક ઇંધણના ભાવ પર પડે છે. જ્યારે નિયમિત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વર્તમાન સ્થિરતા ચોક્કસપણે સામાન્ય વાહનચાલકોને તાત્કાલિક રાહત આપે છે. ત્યારે ઊર્જા ક્ષેત્રમાં ભવિષ્યમાં વધુ ફેરફારો શક્ય છે. ભારતની ક્રૂડ ઓઇલ આયાતનો અડધો ભાગ, ગેસ આયાતનો 40 ટકા અને એલપીજી પુરવઠાનો 85-90 ટકા આ જ માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવતો હતો. જેના લીધે ભારત માટે ચિંતામાં વધારો થયો છે.