મુંબઈ: રોજ બરોજની જીવન જરુરી ચીજવસ્તુઓના ભાવમાં વધારાની સાથે જ વધુ એક ભાવ વધારાના સમાચાર મળી રહ્યા છે. ઈન્ડિગોએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય તમામ રૂટ પર ઈંધણ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. નવા ચાર્જ છઠ્ઠી ઓક્ટોબર 2026થી કરવામાં આવતી નવી બુકિંગ પર લાગુ થશે. વધતા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટલે કે એટીએફના ભાવવધારા)ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર હવાઈ મુસાફરી કરતા મુસાફરોના ભાડાં પર થશે.
ઈન્ડિગોના આ નિર્ણયથી હવે હવાઈ ટિકિટ મોંઘી થવાની છે. ઘરેલુ ફ્લાઈટમાં અંતરના આધારે ઈંધણ ચાર્જ વધારવામાં આવ્યો છે અને આ વધારો રૂટ પ્રમાણે 100થી 350 રૂપિયા સુધીનો રહેશે. એટલે કે મુસાફરોએ ટિકિટ બુક કરતી વખતે અગાઉની સરખામણીએ વધુ રકમ ચૂકવવી પડશે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે પણ ઈંધણ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અલગ અલગ આંતરરાષ્ટ્રીય રૂટ અને અંતરના આધારે આ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જેના કારણે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા મુસાફરોના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.
આ પ્રકરણે ઈન્ડિગોએ આપેલી માહિતી અનુસાર, એટીએફના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં એટીએફના ભાવમાં મહિના દર મહિને 14 ટકાથી વધુનો વધારો થયો છે અને ઈંધણનો ખર્ચ છેલ્લા એક દાયકાના સૌથી ઊંચા સ્તરોમાં પહોંચી ગયો છે. એટીએફ એરલાઈનના સંચાલન ખર્ચનો મહત્વનો હિસ્સો હોવાથી વધતા ઈંધણ ખર્ચની અસરને પહોંચી વળવા ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા ઈંધણ ચાર્જ 6 ઓક્ટોબરથી રાત્રે 12.01 વાગ્યા બાદ કરવામાં આવતી નવી બુકિંગ પર લાગુ થશે. એટલે 6 ઓક્ટોબરથી ઈન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરીનું આયોજન કરનારા મુસાફરો માટે હવાઈ પ્રવાસનો ખર્ચ વધવાનો છે. તેથી કટોકટીની પરિસ્થિતિમાં વિમાન મારફતે પહોંચનારા સામાન્ય નાગરિકોના ખિસ્સાનો બોજ પણ હવે વધશે.