Mon Jul 27 2026

Logo

UNમાં ભારતનો પાકિસ્તાનને 'જડબાતોડ' જવાબ: 'ઇસ્લામોફોબિયા'ના નામે પાકિસ્તાનનો દંભ ખુલ્લો પાડ્યો

2026-03-17 14:42:00
Author: Devayat Khatana
Article Image

અફઘાનિસ્તાન પર બોમ્બમારો અને અહમદિયા સમુદાય પર દમન મુદ્દે ભારતે પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં ઘેર્યું

ન્યૂયોર્ક/નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં 'ઇસ્લામોફોબિયા સામે લડવાના આંતરરાષ્ટ્રીય દિવસ' નિમિત્તે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત પર્વતનેની હરીશે પાકિસ્તાનની પડોશી દેશોમાં 'ઇસ્લામોફોબિયા'ની કાલ્પનિક વાર્તાઓ ઘડવાની આદત પર આકરા પ્રહારો કર્યા હતા. ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં સવાલ ઉઠાવ્યો હતો કે પાકિસ્તાન પોતાના જ દેશમાં અહમદિયા સમુદાય પર જે ક્રૂર દમન કરી રહ્યું છે અને રમઝાનના પવિત્ર મહિનામાં અફઘાનિસ્તાન પર જે બોમ્બમારો કર્યો છે, તેને પાકિસ્તાન કયું નામ આપશે?

ભારતે આ ફટકાર એવા સમયે લગાવતા જણાવ્યું કે જ્યારે 16 માર્ચની રાત્રે પાકિસ્તાની વાયુસેનાએ કાબૂલની હોસ્પિટલ પર ભયાનક હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 400 લોકોના મોત થયા છે અને ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
 
અફઘાનિસ્તાનના પ્રવક્તા હમદુલ્લા ફિતરતના જણાવ્યા અનુસાર, ૨૦૦૦ બેડની આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નિર્દોષ દર્દીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તાલિબાન સરકારે આ ઘટનાને માનવતા વિરુદ્ધનો જઘન્ય અપરાધ ગણાવ્યો હતો.  ભારત સરકારે પણ આ મામલે અફઘાનિસ્તાન સાથે મક્કમતાથી ઊભું રહ્યું છે.

OIC મંચનો ખોટો ઉપયોગ કર્યો 
રાજદૂત હરીશે પાકિસ્તાન દ્વારા 'ઇસ્લામિક સહયોગ સંગઠન' (OIC)ના મંચનો ભારત વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કરવાની રણનીતિની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ મંચ પરથી વારંવાર ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરે છે. ભારતે ગર્વ સાથે જણાવ્યું કે ભારત ૨૦ કરોડથી વધુ મુસ્લિમોનું ઘર છે, જે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તીમાંની એક છે. જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં મુસ્લિમ સમુદાય લોકતાંત્રિક રીતે પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે, જે તેમની અવાજ બને છે.

પાકિસ્તાન ભારતના બહુસાંસ્કૃતિક અસ્તિત્વથી ડરે છે  
ભારતે પાકિસ્તાનના 'અસલી ફોબિયા' વિશે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન ખરેખર ભારતના બહુસાંસ્કૃતિક અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વથી ડરે છે. પાકિસ્તાનનો વર્તમાન નેરેટિવ તેની એ સાંપ્રદાયિક અને આતંકવાદી માનસિકતા દર્શાવે છે જે તેણે પોતાના જન્મથી જ પાળી-પોષી છે. અફઘાન શરણાર્થીઓને બળજબરીપૂર્વક દેશનિકાલ કરવા અને નાગરિકી વસાહતો પર હુમલા કરવા તે પાકિસ્તાનની નફટ્ટાઈ અને નૈતિક પતન સૂચવે છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્રને આગ્રહ કર્યો છે કે ધર્મનું રાજનીતિકરણ સમસ્યાઓ ઉકેલવાને બદલે ધ્રુવીકરણ વધારે છે. ભારતે સ્પષ્ટ કર્યું કે UN એ માત્ર એક જ ધર્મ પર કેન્દ્રિત માળખાં બનાવવાથી બચવું જોઈએ અને તેના બદલે તમામ પ્રકારના 'રિલીજિઓફોબિયા' સામે લડવા પર ધ્યાન આપવું જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે ધર્મને રાજનીતિ સાથે જોડવાથી હંમેશાં વિભાજનકારી વિચારધારાને જ પ્રોત્સાહન મળ્યું છે.

ભારતે વૈશ્વિક સમુદાયને કરી અપીલ
અંતમાં, ભારતે ભારપૂર્વક જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા તેની સાર્વત્રિકતા અને નિષ્પક્ષતામાં રહેલી છે. આ સંસ્થાએ ધર્મ, સંસ્કૃતિ અને રાજકારણથી ઉપર ઉઠીને કામ કરવું જોઈએ. ભારતે વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે કે તેઓ એવા દેશોની ઓળખ કરે જેઓ ધર્મના નામે આતંક અને હિંસા ફેલાવી રહ્યા છે અને તેમને જવાબદારી સ્વીકારવા મજબૂર કરે.