Mon Jul 27 2026

Logo

LPG કિંમતો પર સંકટ: ઓઇલ કંપનીઓ પર વધ્યો બોજ, દરેક સિલિન્ડર પર 700 રૂપિયાનું નુકસાન

2026-06-05 10:15:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઘરઆંગણે (દેશના) ઊર્જા બજારને સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાં છતાં, સરકારી ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. તેમને દરેક ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડર પર આશરે 700 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (જોઈન્ટ સેક્રેટરી) સુજાતા શર્માએ એક આંતર-મંત્રાલય બેઠકમાં જણાવ્યું હતું કે, સરકારે એલપીજીની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે ઘણા પગલાં લીધા છે, જેમાં દેશમાં જ ઉત્પાદન વધારવું અને આયાત (ઈમ્પોર્ટ) માટેની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે.

છેલ્લા 3 દિવસમાં 1.43 કરોડ એલપીજી સિલિન્ડરનું વિતરણ

તેમણે જણાવ્યું કે એલપીજી (LPG)ની માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત ઘટાડવા માટે દેશમાં જ ઉત્પાદન વધારવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ દિવસમાં 1.43 કરોડ એલપીજી સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ની ભૌગોલિક-રાજકીય (જીઓપોલિટિકલ) પરિસ્થિતિ ખરાબ હોવા છતાં, ક્રૂડ ઓઈલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સામાન્ય છે. સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

સરકારે ATFની કિંમત પ્રતિ લીટર 86.32 રૂપિયા નક્કી કરી

અહેવાલ મુજબ, સરકારે ઘરેલું એરલાઈન્સ કંપનીઓ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમત આગામી ત્રણ વર્ષ માટે 86.32 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરી દીધી છે.

આ યોજનાનો હેતુ પશ્ચિમ એશિયાના સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી કિંમતો વચ્ચે એરલાઈન્સ કંપનીઓને આર્થિક નુકસાનથી બચાવવી અને મુસાફરો માટે ટિકિટના દર સસ્તા રાખવાનો છે.