મુંબઈ: મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જેમાં ફેબ્રુઆરી માસના અંતથી શરુ થયેલા યુદ્ધના લીધે શેરબજારના સેન્ટીમેન્ટ પર વ્યાપક અસર થઈ છે. તેમાં પણ યુદ્ધના ભયના લીધે એફઆઈઆઈ( વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ની વેચવાલીથી શેરબજારના ઇન્ડેકસમાં ઘટાડો થયો છે.
નિફ્ટી તેના 52 સપ્તાહ હાઇથી 9 ટકા ગગડ્યો
એફઆઈઆઈની રૂપિયા 1.78 લાખ કરોડની વેચવાલીના લીધે નિફ્ટી તેના 52 સપ્તાહ હાઇથી 9 ટકા ગગડ્યો છે. શેરબજારમાં સતત પાંચમા સપ્તાહે FII દ્વારા વેચવાલી ચાલુ રહી છે. તેમજ બીજી તરફ વિદેશી રોકાણકારો સતત બીજા બજારોમાં રોકાણ કરી રહ્યા છે.
FII દ્વારા વેચવાલી પાછળ અનેક કારણો જવાબદાર
ભારતીય શેરબજારની FII દ્વારા વેચવાલી પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં ઈરાન-અમેરિકા યુદ્ધમાં બે સપ્તાહના યુદ્ધ વિરામને લીધે બજારોમાં સામાન્ય તેજી આવી છે છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેને નિર્ણાયક વળાંક તરીકે જોતા નથી.FII યુદ્ધ વિરામને રાજદ્વારી કરતાં વ્યૂહાત્મક માને છે. બજારની રીતે જોઇએ તો આ ફક્ત ક્ષણિક ઉછાળો છે.
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો
આ ઉપરાંત સતત યુદ્ધના લીધે ઈંધણની પણ અછત સર્જાવાની સ્થિતી ઉભી થઇ છે. તેમજ બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીએ રહ્યું છે. જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વ્યાપક સ્થિરતા માટે પણ ખતરો છે. FIIના મતે ક્રૂડના ઊંચા ભાવ ચાલુ ખાતાની ખાધને વધારે છે અને સ્થાનિક ફુગાવાને વેગ આપે છે. જેના કારણે ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજ દર વધારવાનું દબાણ આવે છે.
ભારતીય રૂપિયાનું ડોલર સામે અવમૂલ્યન પણ મોટું ફેક્ટર
આ ઉપરાંત ભારતીય રૂપિયાનું ડોલર સામે અવમૂલ્યન પણ મોટું ફેક્ટર છે. જેના લીધે શેરબજારમાં રોકાણ ઘટી રહ્યું છે. આ ઉપરાંત અન્ય ઉભરતા બજારોની તુલનામાં ભારત વિદેશી રોકાણકારોને નોંધપાત્ર રીતે ઓછું વળતર આપી રહ્યું છે. દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા બજારોને વિદેશી રોકાણકારોના દ્રષ્ટિકોણથી વધુ આકર્ષક માનવામાં આવે છે. કારણ કે આ દેશોમાં આવક વૃદ્ધિની અપેક્ષાઓ નાણાકીય વર્ષ 2027 માટે ભારતના સાધારણ અંદાજો કરતા ઘણી વધારે છે.
ભારતના બદલાતા ટેક્સ સ્ટ્રકચરને અવરોધ માનવામાં આવે છે
આ ઉપરાંત ભારતના બદલાતા ટેક્સ સ્ટ્રકચરને અવરોધ માનવામાં આવે છે. જેમાં વર્ષ 2024 ના કેન્દ્રીય બજેટમાં, ટૂંકા ગાળાના મૂડી લાભ પર કર દર 15 ટકા થી વધારીને 20 ટકા કરવામાં આવ્યો હતો, જ્યારે લાંબા ગાળાના મૂડી લાભ પરનો કર દર 10 ટકા થી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો હતો. તેમજ નાણાકીય વર્ષ 2027 થી અમલમાં આવતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારા સાથે FII માટે રોકાણનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે.