Wed Aug 19 2026

Logo

ડૉલર સામે રૂપિયો 64 પૈસા ગબડીને ઐતિહાસિક તળિયે

2026-03-20 19:48:35
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના બંધ સામે 64 પૈસા ગબડીને 93.53ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં એકતરફી તેજી રહેવાથી ફુગાવામાં થનારા અપેક્ષિત વધારાને ધ્યાનમાં લેતા રૂપિયો ભારે દબાણ હેઠળ આવી રહ્યો છે. 

ગઈકાલે ગુડી પડવા નિમિત્તે બજાર સત્તાવાર ધોરણે બંધ રહ્યા બાદ આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના 92.89ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 92.92ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 93.75 અને ઉપરમાં 92.88ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 64 પૈસાના ઘટાડા સાથે 93.53ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત બુધવારે ડૉલર સામે રૂપિયો 49 પૈસા ગબડ્યો હતો. 

પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને કારણે આજે રૂપિયાએ ઐતિહાસિક નવી નીચી સપાટી નોંધાવી હોવાનું મિરે એસેટ્ શૅરખાના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં વધારાને કારણે સંભવિતપણે ફુગાવામાં થનારી વૃદ્ધિને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ અને બૅન્ક ઑફ જાપાન જેવી અગ્રણી કેન્દ્રવર્તી બૅન્કોએ તેની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા છે. આમ એકંદરે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 92.20થી 93.80 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.35 ટકા વધીને 99.58 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.84 ટકા વધીને બેરલદીઠ 110.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 7558.19ની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 325.72 પૉઈન્ટનો અને 112.35 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.