Sat Aug 15 2026

Logo

ટ્રેનમાં ધૂમ્રપાન હવે પડશે ભારે: રેલવેએ નિયમો કડક કરી દંડમાં કર્યો 20 ગણો વધારો

2026-08-06 17:57:52
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: ટ્રેનોમાં ધૂમ્રપાન સહિત અન્ય ગુનાહિત ગતિવિધિઓ સાથે સબંધિત રેલવે એક્ટ 1989માં અમુક ફેરફાર કરતા હવે દંડ 20 ગણો વધારવામાં આવ્યો છે. આ ફેરફાર કરવાનો ઉદ્દેશ રેલવે સ્ટેશનના પરિસર અને ટ્રેનોમાં ધૂમ્રપાન, અનધિકૃત પ્રવેશ, ઉપદ્રવ અને અન્ય અસુરક્ષિત ગતિવિધિઓ પર અસરકારક અંકુશ લાવવા અને તેનું તાત્કાલિક નિવારણ લાવવાનો છે.

સુધારેલી જોગવાઈ અનુસાર 167ની કલમ હેઠળ પહેલા 100 રૂપિયા સુધીનો દંડ હતો, જે વધારીને હવે 2,000 રૂપિયા જેટલો કરવામાં આવ્યો છે. આ સાથે જ સબંધિત વ્યક્તિનો પાસ કે ટિકિટ જપ્ત કરીને તેને રેલવે પરિસરથી બહાર કરવામાં આવશે. જો દંડ ભરવામાં નહીં આવે તો કોર્ટ 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે. 

બીજી તરફ રેલવે પરિસરમાં દારૂ પી ને હંગામો મચાવનાર લોકો પર 145ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જે અંતર્ગત રેલવે પરિસરથી બહાર નીકળવા, ટિકિટ કે પાસ જપ્ત કરવા છ મહિના સુધી જેલ અને 500 રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. હવે બદલાતા નિયમ અનુસાર 24 કલાક સુધી સામાન્ય જેલ, 1,000 રૂપિયા સુધી દંડ અને બંને સજાઓ અથવા સમુદાય સેવાની જોગવાઈ નક્કી કરવામાં આવી છે. 

રેલવે પરિસરમાં સતત ઉપદ્રવ કરવા માટે 6 મહિના સુધી જેલ કે 5,000 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવશે. મુસાફરી ક્ષેત્રમાં ગેરકાયદે પ્રવેશ કરી જગ્યા ખાલી કરવાથી મનાઈ ફરમાવવા પર કલમ 147 હેઠળ 500 રૂપિયા સુધીનો દંડ લાગશે. રેલવે પરિસરના દુરુપયોગ પર 3 મહિના સુધી જેલ કે 5,000 રૂપિયા સુધીનો દંડ આપવામાં આવશે. સામાન્ય દંડ 2,000 રૂપિયા રહેશે અને કાર્યવાહી પહેલા ચેતવણી આપવામાં આવશે. 

રેલવેના કાર્યમાં અડચણ બનશે તેને 3 મહિનાની જેલ 

રેલવે કર્મચારીના કાર્યમાં અવરોધ બનતા કલમ 146 અંતર્ગત 3 મહિનાની કેદ કે 2,500 રૂપિયા સુધીનો દંડ કે બંને સજા આપવામાં આવશે. ગેરકાયદે વેન્ડરિંગ પર કલમ 144 અંતર્ગત પહેલા 3 ઉલ્લંઘનો માટે દરેક વખતે 2,000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરવા પર 3 મહિના સુધી જેલ અને 5,000 રૂપિયાનો દંડ અથવા બંને સજાઓ કોર્ટ દ્વારા આપવામાં આવશે. 

વારંવાર ગુનાના પુનરાવર્તન પર એક વર્ષ સુધી જેલ અને 5,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે જનવિશ્વાસ અધિનિયમ 2023 અંતર્ગત ભીખ માંગવાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યું છે. 

વાંધાજનક વસ્તુઓ ગેરકાયદે રીતે લાવવા પર કલમ 165 હેઠળ 10,000 રૂપિયાનો દંડ, સબંધિત વસ્તુ હટાવવાની કાર્યવાહી અને નુકશાનની ભરપાઈ કરવી પડશે. દંડ ન ભરવા પર કોર્ટ એક વર્ષ સુધી જેલ કે 10,000 રૂપિયા અથવા બંને સજાઓ ફટકારી શકે છે.