Wed Jul 29 2026

Logo

સીઝફાયર બાદ ઈરાનમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી શું કહ્યું?

Tel aviv   2026-04-08 13:00:00
Author: Mayur Patel
Article Image

તેલ અવીવઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ઈરાન પર થનારા સંભવિત હુમલા અને બોમ્બમારો બે સપ્તાહ માટે રોકી દેવાયો છે. ટ્રમ્પે જણાવ્યું કે, આ સીઝફાયર બંને તરફથી લાગુ થશે. આ દરમિયાન ઈરાનમાં ભારતીય દૂતાવાસે  આજે નવી સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય તેટલા વહેલા દેશ છોડવાની સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા હતા.

શું છે એડવાઈઝરીમાં

દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું છે કે, 7 એપ્રિલ 2026ની એડવાઈઝરીના સંદર્ભમાં અને હાલની ઘટનાઓને જોતાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસના માર્ગદર્શન અને સૂચવવામાં આવેલા ઉપાયોનું પાલન કરીને શક્ય તેટલા વહેલા ઈરાન છોડવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત એડવાઈઝરીમાં એવું પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ પાસે દૂતાવાસ સાથે પૂર્વ ચર્ચા વિચારણા કર્યા વગર જવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

 

આ પહેલા ભારતીય દૂતાવાસે નાગિરકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં જણાવાયું હતું કે, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો આગામી 48 કલાક સુધી તેઓ જ્યાં હોય ત્યાં જ રહે. તેમને વીજળી ઉપકરણો, સૈન્ય ઠેકાણાઓ અને બહુમાળી ઈમારતોથી દૂર રહેવા પણ જણાવાયું હતું. ઘરની અંદર રહેવા અને હાઈવેથી કોઈપણ પ્રકારની મુસાફરી કરતા પહેલા દૂતાવાસના કડક નિર્દેશનું પાલન કરવા જણાવાયું હતું.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદની નિર્ધારીત સમય મર્યાદા પૂરી થાય તે પહેલાની 90 મિનિટ પહેલા જ ઈરાન સાથે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત કરી હતી. ટ્રમ્પે તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે વાતચીત કરીને આજે રાત્રે ઈરાન સામે થનારી વિનાશકારી કાર્યવાહી રોકવા વિનંતી કરી હતી. જોકે મેં આ માટે ઈરાન હોર્મુઝની ખાડી સંપૂર્ણ રીતે અને તાત્કાલિક તથા સુરક્ષિત રીતે ખોલે તેવી શરત મુકી હતી.