Sun Jul 26 2026

Logo

ભારતીય સૈન્યમાં જોડાશે રોબોટિક જવાન: માઈનસ 40 ડિગ્રીમાં સરહદ પર કરશે પેટ્રોલિંગ

2026-03-08 17:14:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ AI (આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ)ના સહારે ટેક્નોલોજીની દુનિયામાં મોટું પરિવર્તન આવી રહ્યું છે તો બીજી તરફ રોબોટની દુનિયામાં પણ અસાધારણ સંશોધન થઈ રહ્યા છે. રસોઈ કરવાથી લઈને રેસક્યૂ ઑપરેશનમાં રોબોટની કામગીરી સામે આવી છે. હવે આ ક્ષેત્રથી થોડા આગળ વધીને રોબોટ દેશની સીમા સુરક્ષા ટુકડીમાં જોવા મળે તો નવાઈ નહીં. માઈનસ 40 ડિગ્રીની ઠંડીમાં હવે દુશ્મનોના દાંત ખાટા કરવા રોબોટ સૈનિક બનીને લડશે. આગામી વર્ષે આ રોબોટનું ઉત્પાદન થશે અને સૈન્યને સોંપવામાં આવશે. 

રોબોટિક જવાનનું નિર્માણ થશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાંથી આ વિષય પર વાત કહી હતી. એ વાતની ખાતરી આપી હતી કે, નાગપુરના સોલાર ગ્રુપના અધ્યક્ષ સત્યનારાયણ નુવાલના નેતૃત્વમાં આ સાહસ થશે. આગામી વર્ષે દેશના સૈન્યમાં રોબોટિક જવાન એન્ટ્રી લેશે. પ્રોટોટાઈપ બનીને તૈયાર થઈ જશે. નાગપુરના સોલાર ગ્રૂપ દ્વારા સોલાર રોબોટિક્સ અને યુવી વિનિર્માણ પરિયોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિયોજનાના સાહસથી આવતા વર્ષે એક એવો રોબોટ તૈયાર થશે જે ભારતની સીમા પર -40 ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ પેટ્રોલિંગ કરવા સક્ષમ હશે.

રોબોટનો પ્રોટોટાઈપ સૈન્યમાં સામેલ

સત્યનારાયણ નવાલે જણાવ્યું હતું કે, સૈન્ય માટે આ એક મોટી સવલત બની રહેશે. બે મહિનામાં રોબોટનો પ્રોટોટાઈપ તૈયાર થઈ જશે. ઉત્તર પૂર્વી રાજ્યમાં આવેલી ભારતીય સીમા સુરક્ષામાં તે સૈન્યનો સાથ આપશે. થોડા મહિના પહેલા એવી વાત સામે આવી હતી કે, ચીને પણ આ પ્રકારનો રોબોટ બનાવી દીધો છે. 

વિયેતનામે પણ આવું સાહસ કર્યું છે. આજે પણ કોઈ પણ વિપરિત પરિસ્થિતિમાં તે પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ વિચારધારા સાથે અમે પણ સૈન્યની મદદ કરવા માટે રોબોટ બનાવવાનું ચાલું કર્યું હતું. ભીષણ ઠંડીમાં જવાનોના બદલે રોબોટ પેટ્રોલિંગ કરે અને આપણા જવાનો એનું કંટ્રોલિંગ કરે એવી અમારી યોજના છે. 

ભાર્ગવાસ્ત્ર-એન્ટિ ડ્રોન સિસ્ટમ

આવનારા ચારથી પાંચ મહિનામાં ભાર્ગવાસ્ત્ર નામની પહેલી અને અનોખી એન્ટિ ડ્રોન સિસ્ટમ તૈયાર થઈ જશે. જે વિકસિત દેશની સરખામણીમાં સૌથી અલગ હશે. દુશ્મનોના હુમલાનો ખાતમો બોલાવવા તે એકસાથે 60 જેટલી નાની-નાની મિસાઈલ ટાર્ગેટ કરી શકે છે. ભાર્ગવાસ્ત્ર ભારતની એન્ટિ ડ્રોન સિસ્ટમ છે. આ સમગ્ર સિસ્ટમના ગોપાલપુર અને પોખરણમાં કુલ ચાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં તે સફળ થઈ છે. ટૂંક સમયમાં આ સિસ્ટમને યોગ્ય રડાર મળી રહેતા સૈન્ય શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. 700mmની મિસાલઈનું સરળતાથી તે વહન કરી શકે છે. 

સમગ્ર ગાઈડેડ સિસ્ટમ

આ એક ગાઈડેડ સિસ્ટમ છે જેની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, 64 મિસાઈલને એક સાથે ફાયર કરી શકે છે. જરૂર પડે ત્યારે એમાંથી એક શક્તિશાળી મિસાઈલને પણ ફાયર કરી શકાય છે. આવી સિસ્ટમ અત્યાર સુધીમાં દેશને મળી નથી. રડારની પ્રાપ્યતા થઈ અને સૈન્ય સમર્થન મળ્યું તો આ એક મોટું સાહસ સૈન્ય સુરક્ષા માટે બની રહેશે. એક સંપૂર્ણ કવચ સુરક્ષા દેશ માટે આકાર લેશે.