Tue Oct 06 2026

Logo

જેસલમેર સરહદે ભીષ્મ અને વ્રજની ગર્જના: ભારતીય સેનાનો શક્તિશાળી 'બેટલ એક્સ' યુદ્ધાભ્યાસ

2026-02-18 16:25:21
Author: Mumbai Samachar Team
જેસલમેર સરહદે ભીષ્મ અને વ્રજની ગર્જના: ભારતીય સેનાનો શક્તિશાળી 'બેટલ એક્સ' યુદ્ધાભ્યાસ

નવી દિલ્હી: ભારતીય સેનાની કોનાર્ક કોર (12 કોર) દ્વારા આયોજિત 'બેટલ એક્સ' યુદ્ધાભ્યાસમાં આધુનિક શસ્ત્રો અને સૈનિકોના સમન્વયથી રણની ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ યુદ્ધ અભ્યાસ રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન સરહદ નજીક કરીને  ભારતીય સેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનના કોઈપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવાની સજ્જતા ચકાસવાનો હતો.

આ યુદ્ધાભ્યાસમાં ભારતીય સેનાના મુખ્ય યુદ્ધક ટેન્ક T-90 'ભીષ્મ' અને K-9 'વ્રજ' સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરીએ મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું. રણની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે આ તોપો અને ટેન્કોએ મીલો દૂર રહેલા કાલ્પનિક દુશ્મનના ઠેકાણાઓને સચોટ નિશાન બનાવીને નેસ્તનાબૂદ કરી દીધા હતા. 'બેટલ એક્સ' ડિવિઝને દિવસ અને રાત બંને સમયે આક્રમક પ્રહાર કરવાની પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી છે.

આધુનિક યુદ્ધમાં ટેકનોલોજીના મહત્વને સમજતા આ કવાયત દરમિયાન 'સેન્સર ટુ શૂટર' લિંક પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ડ્રોન અને અત્યાધુનિક સર્વેલન્સ મશીન દ્વારા દુશ્મનની હિલચાલની જે માહિતી મળે, તેને સેકન્ડોમાં ફાયરિંગ યુનિટ સુધી પહોંચાડીને ટાર્ગેટને કેવી રીતે ખતમ કરવો તેનું સફળ નિદર્શન કરાયું હતું. આર્મીના જણાવ્યા અનુસાર રણમાં ઓછી દ્રશ્યતા અને અંતર સહિતના અનેક પડકારો વચ્ચે પણ આ સિસ્ટમ સચોટ સાબિત થઈ છે.

કોનાર્ક કોરની આ ડિવિઝન દુશ્મનની રક્ષા પંક્તિઓને તોડવામાં માહિર માનવામાં આવે છે. આ અભ્યાસમાં ઇન્ફન્ટ્રી (પાયદળ), આર્મર્ડ (ટેન્ક) અને આર્ટિલરી (તોપખાના) વચ્ચે અદભૂત તાલમેલ જોવા મળ્યો હતો. ભારતીય જવાનોએ સાબિત કર્યું કે તેઓ શૂન્યથી નીચેના તાપમાનથી લઈને 50 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં પણ પોતાની મારક ક્ષમતા જાળવી રાખવા માટે સક્ષમ છે. જોધપુર હેડક્વાર્ટર હેઠળની આ કોર દેશની સુરક્ષા માટે કટિબદ્ધ જોવા મળ્યા હતા.