Sat May 02 2026

Logo

એશિયન આર્ચરીમાં ભારતીય પુરુષ તીરંદાજોનો સપાટોઃ આટલા મેડલ પર કર્યો કબજો...

2026-03-27 16:02:35
Author: Ajay Motiwala
Article Image

બૅન્ગકૉકઃ અહીં શુક્રવારે તીરંદાજી (Archery)ની એશિયા કપ વર્લ્ડ રૅન્કિંગ ટૂર્નામેન્ટ સ્ટેજ-વનમાં ભારતીય સ્પર્ધકોએ સપાટો બોલાવ્યો હતો. અગાઉની સ્પર્ધાની તુલનામાં આ વખતે ભારતીયો ઓછા ગોલ્ડ મેડલ જીત્યા છે, પરંતુ ખાસ કરીને કમ્પાઉન્ડ કૅટેગરીમાં 10 ચંદ્રક જીતીને ભારતીયો છવાઈ ગયા છે.

મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ અને મહિલાઓની ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. શુક્રવારે બપોરે રિકર્વ (Recurve) કૅટેગરીમાં બે સિલ્વર મળતાં ભારત પાસે કુલ બે ગોલ્ડ, ચાર સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ હતા.

ગયા વખતની સ્પર્ધામાં ભારતીયો આઠ મેડલ જીત્યા હતા અને આ વખતે શુક્રવારે તેમના નામે 10 ચંદ્રક (Medals) હતા. પુરુષોની કમ્પાઉન્ડ કૅટેગરીમાં ભારતને વ્યક્તિગત ઇવેન્ટમાં ઉદય કમ્બોજે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ઑલ-ઇન્ડિયન ફાઇનલમાં ઉદયે પ્રથમેશ જાવકરને 145-144થી હરાવ્યો હતો. આ જ વર્ગમાં ભારતનો રજત ચૌહાણ બ્રૉન્ઝ જીત્યો હતો. રજતે બૅન્ગકૉકના જ પીરાવત રૅટનાપૉન્ગકિયાતને રોમાંચક મુકાબલામાં 145-144થી પરાજિત કરીને કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો.

2025માં ભારતે આ એશિયન સ્પર્ધામાં રિકર્વ સેક્શનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, પણ આ વખતે એમાં નિષ્ફળતા જોવા મળી છે. ભારતીયોએ આ વર્ગમાં બે સિલ્વર મેડલ જીતીને થોડી આબરૂ સાચવી છે.