Sun Aug 23 2026

Logo

વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં જેન-ઝી બનશે સૌથી મોટી વોટ બેંક, બદલાશે રાજકીય સમીકરણ

2026-08-04 22:45:12
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં જંતર મંતર પર NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલનથી રાજકીય પક્ષો ચિંતામાં છે. જેમાં પણ જેન-ઝી ના આ આંદોલનના પગલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું પડ્યું હતું. તેમજ આગામી સમયમાં આ આંદોલનથી ઉભરેલો નવો જેન-ઝી વર્ગ રાજકીય પક્ષો માટે મહત્વની વોટ બેંક બની રહેશે તે ચોક્કસ છે. 

જેન-ઝી વસ્તી દેશની સૌથી મોટી પુખ્ત પેઢી બનશે

ભારતના રાજકારણ પર નજર કરીએ તો સમજાશે કે અમુક વર્ષોથી રાજકારણમાં નવો ટ્રેન્ડ આવી રહ્યો છે. જેમાં પણ જાતિ આધારિત રાજનીતિ વધુ પ્રભાવી બની રહી છે. તેમજ  વોટ બેંકની વાત કરીએ તો ઉંમર આધારિત મતદારોની સંખ્યા પણ મોટો બદલાવ થઇ રહ્યો છે. ત્યારે  વર્ષ 2029 લોકસભાની ચૂંટણીમાં જેન-ઝી વસ્તી દેશની સૌથી મોટી પુખ્ત પેઢી બનશે.જે રાજકીય પક્ષો માટે સૌથી મોટી વોટ બેંક પણ બનશે. 

વર્ષ 2029 સુધીમાં દર ચારમાંથી એક મતદાર યુવાન હશે

વસ્તીના અંદાજો મુજબ ભારતમાં જેન-ઝીની વસ્તી વર્ષ 2029 સુધી 38 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. જેમાં 19.9 કરોડ પુરુષો અને 18.1  કરોડ મહિલાઓ હશે. જેના પગલે આ પ્રથમ વાર હશે જ્યારે દેશની જેન-ઝી સૌથી મોટી પુખ્ત પેઢી
હશે. જેન-ઝીને જનરેશન ઝેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જોવા જઇએ 
તો વર્ષ 2029 સુધીમાં દર ચારમાંથી એક મતદાર યુવાન હશે. 

સૌથી સક્રિય વર્ગનું પ્રતિનિધીત્વ પણ કરશે

આ વર્ગ માત્ર વસ્તીમાં જ મોટો નહિ હોય. પરંતુ સૌથી સક્રિય વર્ગનું પ્રતિનિધીત્વ  પણ કરશે.તેમજ આ વર્ગમાંથી લાખો લોકો  પ્રથમ વાર વોટર પણ બનશે.જેમાં 
કોલેજોના વિદ્યાર્થી, નોકરી શોધતા બેરોજગાર યુવાનો, સ્ટાર્ટઅપ શરૂ કરતા મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો હશે.

વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં અનેક મુદ્દાઓ ચર્ચામાં 

આ અંગે રાજકીય નિષ્ણાતોનો મત છે કે વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં શિક્ષણ, રોજગાર, ફુગાવો, આવાસ, સ્ટાર્ટઅપ્સ, કલાઇમેટ ચેન્જ  અને સુશાસન સહિતના વિવિધ મુદ્દાઓ ચર્ચામાં રહેશે. 

જેન-ઝીની ડિજિટલ પહોંચ પણ વધારે 

આ ઉપરાંત બીજી મહત્વની બાબત એ છે કે જેન-ઝી માત્ર સંખ્યા જ વધારે હશે એવું નથી પરંતુ તેમની  ડિજિટલ પહોંચ પણ વધારે છે. આ તમામ સીધી રીતે સોશિયલ મીડીયા સાથે કનેક્ટ થયેલા છે. જેના લીધે કોઇ પણ માહિતી ઝડપથી શેર થઇ શકે છે. જેની ઝલક સરકારે હાલના આંદોલનમાં જોઈ છે. જે કોઈ પણ મુદ્દાને ઝડપથી રાષ્ટ્રીય મુદ્દો બનાવી શકે છે. 

રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પર એક્ટિવ 

જેના લીધે હવે  રાજકીય પક્ષો હવે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ અને પિન્ટરેસ્ટ જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પહેલા કરતાં વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. તેમજ  જેન-ઝી વર્ષ 2029ની  લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે પડકાર બનશે. જેના લીધે રાજકીય પક્ષો માટે તેમના ચૂંટણી ઢંઢેરામાં ફક્ત વચનો જાહેર કરવા ઉપરાંત તેને પૂર્ણ કરવાની ડેડલાઇન પણ નક્કી કરવી  પડશે. 

જેન-ઝી રાજકીય પક્ષો માટે પડકાર 

આ ઉપરાંત રાજકીય પક્ષોએ રોજગાર વધારવા, પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા, નોકરીઓ પર એઆઈની અસર દૂર કરવા, યુવાનો માટે સસ્તું મકાન પૂરું પાડવા, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની યોજનાઓ સ્પષ્ટ કરવી પડશે. આમ, જોઇએ તો 
જેન-ઝી મતદારો વર્ષ 2029ની ચૂંટણી જીતવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે.