Thu Sep 03 2026

Logo

ભારત પાકિસ્તાનની મૅચ વખતે વરસાદ પડવાની આગાહી!

Colombo   2026-02-14 11:34:00
Author: Ajay Motiwala
ભારત પાકિસ્તાનની મૅચ વખતે વરસાદ પડવાની આગાહી!

કોલંબો: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોલંબોના હાઈ-વૉલ્ટેજ જંગને માંડ એક દિવસ બાકી છે ત્યારે જાણકારી મળી છે કે આ મુકાબલા પહેલાં તેમ જ મૅચ દરમ્યાન વરસાદ પડી શકે.

શ્રીલંકાના પાટનગર કોલંબોમાં બે દિવસથી આકાશ એકદમ સ્વચ્છ છે, પરંતુ શ્રીલંકા (SriLanka) સરકારના વેધશાળાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બંગાળના અખાતમાં લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી હોવાથી રવિવારે સાંજે મૅચના સમયે મેઘરાજા (Rain) કદાચ હેરાન કરી શકે.

કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રમાવાની છે. આ સ્ટેડિયમ ખેત્રામા વિસ્તારમાં આવેલું છે અને આ વિસ્તારમાં હમણાં દિવસની શરૂઆત ઉષ્ણ તથા ભેજવાળા વાતાવરણથી થાય છે અને બપોરે તાપમાન 31 ડીગ્રી સેલ્સિયસ સુધી ઊંચે જાય છે.

જોકે કોલંબોની વેધશાળાની આગાહી છે કે રવિવારે બપોરે વરસાદની શરૂઆત થઈ શકે અને સાંજે વરસાદ પડવાની 50થી 70% સંભાવના છે.

રવિવારે ભારત-પાકિસ્તાન મૅચ માટેનો ટૉસ સાંજે 6:30 વાગ્યે થશે અને 7:00 વાગ્યે પ્રથમ બૉલ ફેંકવામાં આવશે. જોકે કેટલાક અહેવાલો મુજબ મૅચના થોડા કલાક અગાઉ વરસાદ પડી શકે જેને કારણે મેદાન ભીનું થઈ શકે. પિચને કવરથી ટાંકી દેવામાં આવશે, પરંતુ આઉટફીલ્ડ ભીનું થઈ જતાં મૅચની શરૂઆતમાં કે મૅચ દરમ્યાન અડચણો આવી શકે. એવું પણ બની શકે કે વરસાદને લીધે ટૉસ મોડો રાખવામાં આવશે અથવા મૅચમાં ઓવરની સંખ્યા કદાચ ઘટાડવામાં આવશે.

જોકે પ્રેમદાસા (Premdasa) સ્ટેડિયમમાં ડ્રેઈનેજ (પાણીના નિકાલ)ને લગતી લેટેસ્ટ સિસ્ટમ મોજૂદ છે અને પિચ સંપૂર્ણપણે ઢાંકી શકાય એવા વિશાળ કવર પણ સત્તાવાળાઓ પાસે ઉપલબ્ધ છે. આ સ્ટેડિયમના સત્તાધીશો પાસે એવી અત્યાધુનિક સિસ્ટમ છે કે જો ભારે વરસાદ પડે તો પણ 45થી 60 મિનિટની અંદર પિચ તથા મેદાન પર પૂર્ણપણે સાફ-સફાઈનું કામ થઈ શકે અને રમત ફરી શરૂ થઈ શકે.