અજય મોતીવાલા
ભારતની વર્તમાન ટી-20 બૅટિંગ લાઇન-અપ પર નજર તો કરો!...વૈભવ સૂર્યવંશી (લેફ્ટ-હૅન્ડ), અભિષેક શર્મા (લેફ્ટ-હૅન્ડ), ઇશાન કિશન (લેફ્ટ-હૅન્ડ), કૅપ્ટન શ્રેયસ ઐયર (રાઇટ-હૅન્ડ), શિવમ દુબે (લેફ્ટ-હૅન્ડ), તિલક વર્મા (લેફ્ટ-હૅન્ડ), વૉશિંગ્ટન સુંદર (લેફ્ટ-હૅન્ડ), અક્ષર પટેલ (લેફ્ટ-હૅન્ડ). અગાઉ ક્યારેય ડાબોડી બૅટ્સમેનોથી ભરેલી ભારતની આવી બૅટિંગ લાઇન-અપ કદી જોઈ હતી? જોઈ હશે તો પણ ગુરુવારે ટીમ ઇન્ડિયાએ જે નામોશી જોવી પડી એવી અગાઉ ક્યારેય જોઈ હતી?
ક્રિકેટમાં સામાન્ય રીતે લેફ્ટ-રાઇટી બૅટ્સમેનનું કૉમ્બિનેશન સારું મનાય છે, કારણકે એમાં બોલરનું રિધમ ખોરવાઈ જાય છે અને હરીફ ટીમના કૅપ્ટને વારંવાર ફીલ્ડિંગમાં ફેરફાર કરવો પડે છે. જોકે ગુરુવારે આપણે બ્રિટિશરોને વિજય જાણે તાસક પર જ ધરી દીધો. પહેલા આઠમાંથી સાત બૅટ્સમેન લેફ્ટ-હૅન્ડ હતા એટલે બ્રિટિશ બોલર્સને આક્રમણ જાળવી રાખવામાં ખાસ કંઈ તકલીફ ન પડી અને કૅપ્ટન હૅરી બ્રૂકને પણ ફીલ્ડિંગ પ્લેસમેન્ટમાં રાહત મળી હતી.
પરિણામ એ આવ્યું કે આ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં 200-પ્લસના સ્કોર અનેક વખત જોનાર ભારતીય ખેલાડીઓ ગુરુવારે સાત વિકેટે માંડ 158 રન બનાવી શક્યા. આઠમાંથી એકમાત્ર રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન શ્રેયસ ઐયર (અણનમ 80) સારું રમ્યો અને સાતેસાત લેફ્ટ-હૅન્ડ બૅટસમેન ટીમને સારો ફાળો આપવામાં નિષ્ફળ ગયા હતા. આયરલૅન્ડમાં સિરીઝની પ્રથમ મૅચમાં પણ પહેલા આઠમાંથી છ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન હતા.
એક સમય હતો જ્યારે ભારતની બૅટિંગ લાઇન-અપમાં ટોચના આઠમાંથી સાત રાઇટ-હૅન્ડ બૅટ્સમેન હતા અને ફક્ત એક લેફ્ટી હતો. સુનીલ ગાવસકર (રાઇટ-હૅન્ડ), ચેતન ચૌહાણ (રાઇટ-હૅન્ડ), દિલીપ વેન્ગસરકર (રાઇટ-હૅન્ડ), ગુંડપ્પા વિશ્વનાથ (રાઇટ-હૅન્ડ), યશપાલ શર્મા (રાઇટ-હૅન્ડ), કપિલ દેવ (રાઇટ-હૅન્ડ), સૈયદ કિરમાણી (રાઇટ-હૅન્ડ) અને કરસન ઘાવરી (લેફ્ટ-હૅન્ડ). એ રાઇટી-બૅટ્સમેનવાળી બૅટિંગ લાઇન-અપ એવી હતી કે અમુક દેશોને હરાવવા એટલે તેમના માટે ડાબા હાથનો ખેલ હતો.
જોકે એ ટેસ્ટની વાત થઈ, પરંતુ ત્યારની તુલનામાં હાલમાં ટી-20 ફૉર્મેટના વર્લ્ડ ચૅમ્પિયન ભારતે બૅટિંગ લાઇન-અપની બાબતમાં દાટ વાળ્યો છે. જાણે કોઈ ધારાધોરણ જ નથી. જાણે સીધું આઇપીએલને જ લક્ષમાં રાખીને ટીમ નક્કી કરાય છે. ગાવસકર-વેન્ગસરકરના સમયમાં ભારત પાસે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનો જ ઓછા હતા અને હવે એનાથી ઊલટું છે. લેફ્ટી બૅટ્સમેનોની ભરમાર છે ત્યારે ટીમને (લેફ્ટી-રાઇટીના ફૉર્મેશનમાં) સંતુલિત રાખવામાં અક્ષમ છીએ.
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને અવ્વલ દરજ્જાના ફીલ્ડર મોહમ્મદ કૈફે તાજેતરમાં પોતાની યુટ્યૂબ ચૅનલ પર બહુ સરસ વાત કરી હતી. તેણે કહ્યું, `ભારતે ચાર મહિના પહેલાં વર્લ્ડ કપમા જે ભૂલ કરી એ ફરી કરી રહ્યુ છે. ત્યારે બે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન અભિષેક શર્મા અને ઇશાન કિશન દાવની શરૂઆત કરતા હતા. જોકે ઑફ-સ્પિનર સામે રમવામા તેમને મુશ્કેલી થતા તેઓ વહેલી વિકેટ ગુમાવી બેસતા હતા.
ભારત મોટા માર્જિનથી હાર્યું એટલે રાઇટ-હૅન્ડ સંજુ સૅમસનને રમાડવામાં આવ્યો હતો અને તેણે અણનમ 97 રન, 89 રન અને 89 રનની દમદાર ઇનિંગ્સથી ભારતને વર્લ્ડ કપ ટ્રોફી અપાવી હતી. જોકે તાજેતરમાં આયરલૅન્ડમા ભારતની 0-2થી નામોશી થઈ એટલે ટીમમા ફેરફાર કરવામાં આવ્યો, પણ અભિષેક (લેફ્ટ-હૅન્ડ) અને સૅમસન (રાઇટ-હૅન્ડ)ની જોડી ફરી તોડવામા આવી છે. ઇંગ્લૅન્ડ સામે અભિષેક (લેફ્ટ-હૅન્ડ) અને વૈભવ સૂર્યવશી (લેફ્ટ-હૅન્ડ)ને ઓપનિગમા ઉતારવામા આવી રહ્યા છે અને તેઓ ફ્લૉપ પર ફ્લૉપ જઈ રહ્યા છે. ઓપનિગમા તો રાઇટી-લેફ્ટી જોડી જ હોવી જોઈએ.'
ભારતીય બૅટ્સમેનો હજી ચાર મહિના પહેલાં (માર્ચમાં) સતત બીજી વખત ટી-20નો વર્લ્ડ કપ જીત્યા હતા, પણ ત્યાર પછી આઇપીએલની આંટીઘૂંટીમાં તેમણે જાણે બધી શક્તિ વાપરી નાખી હતી. ત્યાર બાદ આયરલૅન્ડમાં ટીમ ઇન્ડિયા માંડ 150 રનની આસપાસનો લક્ષ્યાંક મેળવવામાં પણ ચક્કર ખાઈ ગઈ હતી અને હવે ઇંગ્લૅન્ડ સામે આપણી ટીમ ચાર ટી-20માંથી એક પણ વખત 200 રનની નજીક પણ નથી જઈ શકી અને શનિવારની અંતિમ મૅચ પહેલાં સિરીઝ 0-3થી હારી બેઠી. મુદ્દો એ છે કે ભારતીય બૅટ્સમેનો ક્રીઝમાં ટકી રહેવાની સમજદારી ગુમાવી બેઠા છે.
આઇપીએલની ટી-20 મૅચોની તેમના માનસ પર એવી ખરાબ અસર થઈ છે કે માર્ચ, 2026ના ટી-20 વર્લ્ડ કપ વિજયને પણ તેમણે ભુલાવી દીધો છે. ધીરજ ગુમાવો એટલે ખરાબ શૉટ સિલેક્શન થવાનું જ છે અને એમાં ભારતીયો સસ્તામાં વિકેટ ગુમાવી રહ્યા છે.
આઇપીએલમાં ભારતની સપાટ પિચ પર ફટકાબાજી કરવા ટેવાયેલા ભારતીય બૅટ્સમેનો આયરલૅન્ડની અને હવે ઇંગ્લૅન્ડની પિચો પરની પરીક્ષામાં નાપાસ થયા. તેમનું રિઝલ્ટ તો જુઓ કેટલું બધુ ખરાબ આવ્યું! ભૂતકાળમાં ઇંગ્લૅન્ડ સામે દસમાંથી આઠ ટી-20 સિરીઝ જીતનાર અને બે સિરીઝ ડ્રૉ કરાવનાર ભારતે આ વખતે પહેલી વખત આ ફૉર્મેટમાં બ્રિટિશરો સામે પરાજય સહન કરવો પડ્યો. 2018 બાદ ભારત ક્યારેય ટી-20 ફૉર્મેટમાં બૅક-ટુ-બૅક સિરીઝ નહોતું હાર્યું, પણ ગુરુવારે એ ખરાબ રેકૉર્ડ પણ બની ગયો.
ટૂંકમાં, આઇપીએલનું જ્યાં સુધી મગજ પર ભૂત સવાર હશે અને ફાસ્ટ બોલર્સને ઉચ્ચ કક્ષાના સ્વિંગ અને સીમ અપાવતી વિદેશી પિચો પર ભારતીયો જ્યાં સુધી સારું નહીં રમે ત્યાં સુધી ઇંગ્લૅન્ડમાં ગુરુવારે થઈ એવી નાલેશી થતી જ રહેશે. ભારતીય બૅટ્સમેનો ભારતની પિચો પર આઇપીએલમાં ભલે શૂરવીર સાબિત થાય, પણ વિદેશી પિચો પર તેમની નબળાઈ અને કચાશ ઉઘાડી પડતી જ રહેશે. (ઓપનિંગમાં તેમ જ મિડલ-ઑર્ડરમાં) રાઇટ-લેફ્ટી બૅટ્સમેનોનું સચોટ કૉમ્બિનેશન મેદાન પર ઉતારવામાં પણ કૅપ્ટન અને હેડ-કોચની સમજદારી હોવી જરૂરી છે જેમાં આ વખતે કૅપ્ટન શ્રેયસ ઐયર અને હેડ-કોચ ગૌતમ ગંભીરની નીતિ બુમરૅન્ગ સાબિત થઈ છે.