Thu Sep 17 2026

Logo

ડોકલામ નજીક ચીન બોર્ડર પાસે ભારત પાથરશે 17 કિલોમીટર રેલવે લાઇન

2026-08-03 22:40:18
Author: Chandrakant Kanoja
ડોકલામ નજીક ચીન બોર્ડર પાસે ભારત પાથરશે 17 કિલોમીટર રેલવે લાઇન

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે વર્ષ 2017 માં થયેલા વિવાદીત સ્થળ ડોકલામ નજીક ભારતીય  રેલવે કનેક્ટિવિટી વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. જેની માટે  ભારતીય રેલવે ખુનિયા મોરથી જલઢાકા સુધી નવી રેલ્વે લાઇન બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ સરહદ સુરક્ષા વધારવા વ્યૂહાત્મક હિલચાલને સરળ બનાવવા અને પ્રવાસનને વેગ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે તણાવ સર્જાયો હતો

વર્ષ 2017માં ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે તણાવ સર્જાયો હતો. ભારત-ચીન-ભૂતાન ટ્રાઇ-જંકશન નજીક કનેક્ટિવિટી વધારવાના ઉદ્દેશ્યથી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઉત્તર બંગાળમાં આ નવી 17 કિલોમીટર લાંબી વ્યૂહાત્મક રેલવે લાઇનને નિર્માણ કરવામાં આવશે.  

સિલિગુડીના સાંસદ રાજુ બિસ્તાએ જાહેરાત કરી

સિલિગુડીના સાંસદ રાજુ બિસ્તાએ જાહેરાત કરી હતી કે રેલવે મંત્રાલયે જલઢાકા સુધી 17  કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઇન માટે આશરે 272 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ લાઇન ચાલસા નજીક ખુનિયા મોરથી શરૂ થશે અને જલપાઇગુડી અને કાલિમ્પોંગ વન વિભાગમાંથી પસાર થશે.

જલઢાકા 233 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય નદી

જલઢાકા  233  કિલોમીટર લાંબી  આંતરરાષ્ટ્રીય નદી છે.જે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ભૂતાન અને બાંગ્લાદેશમાંથી વહે છે. તે સિક્કિમમાં જેલેપ લા પાસ નજીક સ્થિત કુપુપ (બિટાંગ) તળાવમાંથી નીકળે છે અને અંતે બ્રહ્મપુત્ર નદીમાં મળે છે.