Tue Oct 06 2026

Logo

IRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ યાદવ અને પરિવારને આંચકો, નવ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ

2026-09-10 18:54:50
Author: Chandrakant Kanoja
IRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ યાદવ અને પરિવારને આંચકો, નવ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ

 નવી દિલ્હી: આરજેડી નેતા અને તેમના પરિવારને આઇઆરસીટીસી  મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો છે. જેમાં દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં  લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી, સરલા ગુપ્તા, લારા પ્રોજેક્ટ્સ અને સુજાતા હોટેલ્સ સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કર્યા છે. આ કેસની આગામી સુનાવણી ૩ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. 

લાલુ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે 

આ ઉપરાંત કોર્ટે કેસમાં સાત વ્યક્તિઓને આરોપોમાંથી મુક્ત કર્યા છે. તેમજ કોર્ટે 
જણાવ્યું કે  પટનામાં હસ્તાંતરિત કરવામાં આવેલી જમીન ગુના દ્વારા મેળવેલી સંપત્તિ છે. જેમાં અદાલતે આરોપીઓને તેની સમક્ષ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં લાલુ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી અને અન્ય આરોપીઓ સામેની કાર્યવાહી ચાલુ રહેશે. 

લાલુ યાદવની ભૂમિકા અંગે અદાલતે શંકા વ્યક્ત કરી 

અદાલતે  આરોપો નક્કી કરતી વખતે અવલોકન કર્યું હતું કે 'લારા પ્રોજેક્ટ્સ'ને જે રીતે લાભ મળ્યો તે લાલુ યાદવની ભૂમિકા અંગે શંકા ઊભી કરે છે. અદાલતે જણાવ્યું હતું કે લાલુ પ્રસાદના કહેવાથી રેલવે અધિકારીઓએ રાંચી અને પુણેમાં લીઝ આપવાની ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરી કરી હતી.

લાલુ યાદવ સામેની તપાસ  યોગ્ય 

તેમજ  અદાલતે વધુમાં ટિપ્પણી કરી હતી કે પ્રથમ દૃષ્ટિએ લાલુ યાદવ સામેની તપાસ રાજકીય રીતે પ્રેરિત જણાતી નથી. અદાલતના મતે સામે આવેલી હકીકતો અને વ્યવહારો સાથે સંકળાયેલી પરિસ્થિતિઓ આ આરોપો પર આગળની કાર્યવાહીને યોગ્ય ઠેરવે છે.