Tue Oct 06 2026

Logo

7 વર્ષ બાદ ભારતે ઈરાન પાસે ક્રૂડ ઓઈલ ખરીદ્યું; ગુજરાતમાં આવેલી રિફાઈનરીને મળશે ક્રુડ

2026-04-05 10:20:58
Author: Savan Zalariya
7 વર્ષ બાદ ભારતે ઈરાન પાસે ક્રૂડ ઓઈલ ખરીદ્યું; ગુજરાતમાં આવેલી રિફાઈનરીને મળશે ક્રુડ

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતને મળતો ઇંધણનો પુરવઠો ખોરવાઈ ગયો છે, એવામાં અહેવાલ હતાં કે ઈરાનથી પેટ્રોલીયમ ભરીને ગુજરાતના વાડીનાર આવી રહેલુ એક ટેન્કર જહાજ અચાનક ચીન રવાના થયું હતું. પેટ્રોલિયમ અને નેચરલ ગેર મંત્રાલયે આ આહેવાલોને ગેરમાર્ગે દોરતા ગણાવ્યા છે. 

મંત્રાલયે સ્પષ્ટતા કરી કે "પેમેન્ટ સમસ્યાઓ"ના કારણે ઈરાની ક્રૂડ કાર્ગો ભારતના વાડીનારને બદલે ચીન તરફ વાળવામાં આવ્યું છે, એવા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ ખોટા છે.

સાતવર્ષ બાદ ઈરાન પાસેથી ક્રુડની ખરીદી:
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો પેટ્રોલિયમ આયાતકાર અને ગ્રાહક દેશ છે, એક સમયે ભારત ઈરાન ના ક્રુડ ઓઈલનો સૌથી મોટો ખરીદાર દેશ હતો. વર્ષ 2018 યુએસએ ઈરાન પર પ્રતિબંધો મુક્યા બાદ ભારતે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી ઓછી કરી હતી અને મે 2019 બાદ ભારતે ઈરાન પાસેથી ક્રુડ ખરીદ્યંી ન હતું. 

અહેવાલ મુજબ આ ઈરાની ક્રુડ રશિયન ફ્યુઅલ જાયન્ટ રોઝનેફ્ટ સમર્થિત નાયરા એનર્જી લીમીટેડે ખરીદ્યું છે, જેની રિફાઇનરી ગુજરાતના વાડીનારમાં આવેલી છે. આમ છેલ્લા સાત વર્ષમાં ભારતે ઈરાન પાસેથી પહેલીવાર ક્રુડ ખરીદ્યું છે.

ભારતે ક્રુડની જરૂરીયાત પૂરી કરી:
X પર એક પોસ્ટ કરીને મંત્રાલએ જણાવ્યું,"મધ્ય પૂર્વમાં પુરવઠામાં વિક્ષેપની સ્થિતમાં ભારતીય રિફાઇનરોએ ક્રૂડ ઓઇલની જરૂરિયાતો ઈરાન સહિત અન્ય દેશોથી પૂર્ણ કરી લીધી છે, અને ઈરાની ક્રૂડની આયાત માટે પેમેન્ટનો કોઈ અવરોધ નથી." 

મંત્રાલયે એમ પણ જણાવ્યું કે ભારતે આગામી મહિનાઓ માટે ક્રૂડ ઓઇલની સંપૂર્ણ જરૂરિયાતો પૂરી કરી લીધી છે. મંત્રાલયે જણાવ્યું, "ભારત 40 થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે. વ્યાપારી પાસાઓ આધારે વિવિધ સ્ત્રોતો અને ભૌગોલિક સ્થળોએથી ઓઈલ મેળવવાની કંપનીઓને સંપૂર્ણ સુગમતા છે."

LPG ટેન્કર પણ પહોંચ્યું:
મંત્રાલયે જણાવ્યું કે ભારતે મંજૂર કરાયેલા જહાજ પર લોડ કરવામાં આવેલા 44,000 મેટ્રિક ટન ઈરાની લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ પણ ખરીદ્યો છે. જહાજ ગત બુધવારે મેંગલોરના બંદર પર પહોંચ્યું હતું અને જહાજમાંથી ફ્યુઅલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

યુએસએ પ્રતિબંધો હળવા કર્યા:
યુએસના દબાણને કારને ભારત ઈરાન પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું ન હતું, પરંતુ હાલ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતને મળતો ક્રુડનો પુરવઠો ખોરવાયો છે. ગત મહિને, યુએસએ પુરવઠાની અછતને ધ્યાનમાં રાખીને ઈરાની ક્રુડ પરના પ્રતિબંધો અસ્થાયી રૂપે હળવા કર્યા હતાં.