Wed Jul 22 2026

Logo

સંસદમાં અખિલેશ યાદવ અને કેસી વેણુગોપાલ વચ્ચે જ તકરાર

2026-07-22 15:49:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: નીટ પેપર લીક બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનાંમાની માંગ વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહી છે. જેના પગલે તમામ પક્ષો વિરોધ પ્રદર્શનમાં સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ સંસદમાં વિપક્ષ એકમત જોવા નથી મળ્યો. જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ વચ્ચે તકરાર જોવા મળી હતી. 

અખિલેશ યાદવ નારાજ થયા હતા

આ અંગે મળતી માહિતી મુજબ આજે બપોરે લોકસભાની કાર્યવાહી હંગામા સાથે શરૂઆત થઇ હતી. જેમાં સમાજવાદીના નેતાઓ સાથે અખિલેશ યાદવ પણ જોડાયા હતા. જેમાં અખિલેશ યાદવ પોતાની વાત કહેવા માંગતા હતા પરંતુ સ્પીકરે  કેસી વેણુગોપાલને બોલવા જણાવ્યું હતું. તેની બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બોલવાનું શરૂ કર્યું. જોકે, તેના પગલે અખિલેશ યાદવ નારાજ થયા હતા અને સંસદમાંથી બહાર જવા લાગ્યા હતા. ત્યારે સ્પીકરે તેમને અટકાવ્યા હતા અને બોલવા જણાવ્યું હતું. 

અખિલેશ યાદવે અલગ મત રજૂ કર્યો 

સંસદમાં કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચર્ચાની માંગ કરી હતી. જ્યારે સરકાર પણ ચર્ચા માટે તૈયાર છે. જોકે, અખિલેશ યાદવે અલગ મત રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજીનામું તો સંસદની બહાર પર માંગી લેવામાં આવશે. અત્યારે તો પોલીસ દ્વારા વિધાર્થીઓ પર કરવામાં આવેલી બર્બરતા અને તેની તપાસની વાત થવી જોઇએ. પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. જોકે, આ પૂર્વે અખિલેશ યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ડીલ થઇ ગઇ છે. 

કેસી વેણુગોપાલ અને અખિલેશ યાદવ વચ્ચે વાતચીત ચાલુ રહી

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ  પણ કેસી વેણુગોપાલ અને અખિલેશ યાદવ વચ્ચે વાતચીત ચાલુ રહી હતી. વેણુગોપાલે અખિલેશને પૂછ્યું કે તેમણે રાજીનામાની માંગ કેમ ન કરી. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે આ વિદ્યાર્થીઓની માંગ છે જે તેઓ ગૃહમાં ઉઠાવી રહ્યા છે.