Thu Aug 20 2026

Logo

આજે દિલ્હી, હિમાચલ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ...

2026-08-09 09:24:48
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દેશભરમાં ચોમાસાની સક્રિયતા સતત વધી રહી છે. આજે દેશના ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં પણ સતત આઠમા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે, જેના કારણે યમુના નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ, કેરળ અને આસામમાં પૂર તથા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.  

હવામાન સિસ્ટમની અસર અને ઓરેન્જ અલર્ટ  

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તાર પર લો પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જેના લીધે ઓડિશા અને છત્તીસગઢ સહિતના પૂર્વ તથા મધ્ય ભારતમાં મુસળધાર વરસાદની સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓડિશા અને છત્તીસગઢમાં 'ઓરેન્જ અલર્ટ' જારી કરવામાં આવ્યું છે. 

આજે દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે

વિગતે વાત કરવામાં આવે તો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. તેની સાથે આસામ, મેઘાલય, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું જોર ચાલુ રહેશે. આસામમાં પૂરની પરિસ્થિતિ ગંભીર બનેલી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

રાજધાની દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વરસાદ સતત ચાલુ છે. આજે પણ દિલ્હીમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.