નવી દિલ્હીઃ ભારત દ્વારા અંતિમ ઑપ આપવામાં આવી રહેલા મુક્ત વેપાર કરાર થકી અંદાજે રૂ. 465 અબજ ડૉલરની નિકાસ બજાર ખૂલશે અને તે પૈકી ટેક્સ્ટાઈલ ઉદ્યોગ 200 અબજ ડૉલરની નિકાસ તક અંકે કરી શકશે, એમ ટેક્સ્ટાઈલ ખાતાના પ્રધાન ગિરીરાજ સિંઘે જણાવ્યું હતું.
વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સ્થાનિક ખેલાડીઓ માટે ભારત ટેક્સ 2026 સૌથી મોટા વૈશ્વિક પ્લેટફોર્મ તરીકેની ભૂમિકા ભજવશે. કેમ કે તે ફાઈબર અને યાર્નથી લઈને ફેબ્રિક્સ, ગાર્મેન્ટ્સ, ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ અને સસ્ટેઈનેબલ ઈનોવેશન સહીતની ટેક્સ્ટાઈલની સમગ્ર વૅલ્યૂ ચેઈનને એકત્રિત કરે છે. મુક્ત વેપાર કરાર થકી અંદાજે 465 અબજ ડૉલરની બજાર ખૂલી છે અને તેમાંથી આપણે ઓછામાં ઓછી 200 અબજ ડૉલરની બજારનું એક્સેસ મેળવવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે ભારતે ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ, ઓમાન અને યુએઈ તથા ઈયુ સહિત નવ દેશો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે. વધુમાં ટેક્સ્ટાઈલ પ્રધાને ઉદ્યોગને ભારત જે ક્ષેત્રમાં નબળું હોય તેવા ક્ષેત્રનાં મશીનનાં ઉત્પાદન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુરોધ કરવાની સાથે જણાવ્યું હતું કે ભારત કુદરતી ફાઈબરમાં ભારતની સ્થિતિ મજબૂત છે અને આગામી વર્ષોમાં ભારત તેના પુરવઠા માટે વૈશ્વિક હબ બની જશે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર લિનનની આયાત જે વર્ષ 2021-22માં 21,000 ટનની હતી તે વધીને 60,000 ટનની થઈ છે. નોંધનીય બાબત એ છે કે આગામી 14મી જુલાઈથી અત્રે ભારત મંડપમ ખાતે ચાર દિવસીય `ભારત ટેક્સ 2026'નું આયોજન થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ પ્રદર્શન ભારતને કાપડના વિશ્વસનીય અને ટકાઉ સ્રોતના મથક તરીકે અને મોટા પાયે રોકાણના સ્થળ તરકે પણ ભારતને વધુ આકર્ષિત કરશે. પ્રદર્શનની આ તૃતિય આવૃત્તિમાં અંદાજે 3500 કરતાં વધુ બિઝનૅસ એક્ઝિબિટર્સ, 140 દેશોમાંથી 7000 આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 1.30 લાખ કરતાં વધુ ટ્રેડ મુલાકાતીઓ સહભાગી થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ કાર્યક્રમમાં સમગ્ર કાપડની ઇકોસિસ્ટમ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ફાઇબર અને યાર્ન, કાપડ, વસ્ત્રો અને ફેશન, હોમ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સ્ટાઈલ, હસ્તકલા, હેન્ડલૂમ અને ઉત્પાદનની બૌદ્ધિક ટેક્નોલૉજીનો સમાવેશ થાય છે.