Sat Mar 14 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામતમાં 8.66 અબજ ડૉલરનો ઉછાળો

2 weeks ago
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત તા. 13 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 8.663 અબજ ડૉલર ઉછળીને નવી 725.727 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 6.711 અબજ ડૉલરના ઘટાડા સાથે 717.064 અબજ ડૉલરના સ્તરે રહી હતી.

જોકે, આ પૂર્વે ગત જાન્યુઆરી મહિનામાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત 723.774 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું. દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 3.55 અબજ ડૉલર વધીને 573.603 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યૅન સહિતના અન્ય મહત્ત્વના ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 4.99 અબજ ડૉલર વધીને 128.466 અબજ ડૉલરના સ્તરે રહી હતી. તેમ જ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 10.3 કરોડ ડૉલર વધીને 18.924 અબજ ડૉલરની સપાટીએ રહી હતી તેમ જ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 1.9 કરોડ ડૉલર વધીને 4.734 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.