Fri Apr 17 2026

Logo

ભારતનું સંરક્ષણ બજેટ વધ્યું, પણ સુરક્ષા વધી ખરી?

2026-02-22 09:11:00
Author: Mumbaisamachar Team
Article Image

આપણા દેશની પડોશમાં મિત્રો કરતાં દાના દુશ્મન વધારે છે એટલે દેશની સુરક્ષા માટે આપણે સૈન્ય પાછળ જે ખર્ચ- વ્યય કરીએ છીએ એ વાજબી કે પૂરતો છે ખરો? આનો સ્પષ્ટ જવાબ છે : ના...!

કવર સ્ટોરી - વિજય વ્યાસ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું તેમાં સંરક્ષણ મંત્રાલયને રેકોર્ડ 7.85 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે અને તેનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. નાણાં મંત્રીએ 2025-26ના બજેટ કરતાં 15.2 ટકા વધારે રકમ ફાળવીને દેશની સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં જોરદાર કદમ ઉઠાવ્યું છે એવી વાતો થઈ રહી છે. ભારતનું જંગી સંરક્ષણ બજેટ જોઈને ચીન અને પાકિસ્તાન હલબલી ગયાં છે એવી વાહિયાત વાતો પણ કેટલાંકે કરી નાખી.

તાજેતરમાં આપણે ફ્રાન્સના 114 `રાફલ' ફાઈટર જેટ જંગી કિમતે ખરીદીને નરેન્દ્ર મોદી સરકારે સંરક્ષણ બજેટમાં વધારો કરીને ઘણું સારું કર્યું, પણ સવાલ એ છે કે, ભારતની સુરક્ષા માટે આ બજેટ પૂરતું છે ખરું?  

આ સવાલનો જવાબ સ્પષ્ટ ના છે. તેનું કારણ એ કે, ભારતનું સંરક્ષણ બજેટ વધી રહ્યું છે પણ તેમાંથી મોટા ભાગનાં નાણાં લશ્કરી જવાનોના પગાર અને પેન્શન તથા કેન્ટોનમેન્ટ એટલે કે લશ્કરી છાવણીઓના નિભાવ પાછળ જ ખર્ચાય છે. એક અંદાજ પ્રમાણે, સંરક્ષણ બજેટની લગભગ 50 ટકા રકમ પગાર, પેન્શન અને નિભાવ પાછળ જ ખર્ચાઈ જાય છે.

કેન્દ્ર સરકારે આ ખર્ચ ઘટાડવા માટે `અગ્નિવીર યોજના' દાખલ કરી છે કે જેમાં લશ્કરમાં 5 વર્ષ માટે ફિક્સ પગારે જવાનોની ભરતી થાય છે. અગ્નિવીરોને સરકારે પેન્શન આપવાનું નથી તેથી ભવિષ્યમાં સરકારનો પેન્શનનો ખર્ચ ઘટશે અને વધારે રકમ શસ્ત્રો અને દારૂગોળા પાછળ ખર્ચી શકાશે.

બીજી તરફ, ભારતે દુશ્મનોને દૂર રાખવા શસ્ત્રો-દારૂગોળો અને વોર ટેકનોલોજી પાછળ વધારે ખર્ચ કરવો જરૂરી છે કેમ કે ભારતને મોટા ભાગના પાડોશી દેશો સાથે મિત્રતાના સંબંધો નથી. ચીન અને પાકિસ્તાન તો ભારતના દુશ્મન જ છે કેમ કે બંને ભારતની જમીન પર ડોળો માંડીને બેઠા છે. નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે ભારતને સીધી દુશ્મનાવટ નથી, પણ એ ત્રણેય દેશોની ધરતીનો ઉપયોગ ચીન-પાકિસ્તાન ભારત સામે આક્રમકતા માટે કરી રહ્યા છે તેથી એ મોરચે પણ ભારતે સતર્ક રહેવું જરૂરી છે.

ભારત માટે સૌથી મોટો ચિંતાનો વિષય હિંદ મહાસાગર છે. ભારતની દરિયાઈ સીમા બહુ વિશાળ છે. અત્યાર સુધી દરિયાઈ સીમા સુરક્ષિત હતી, પણ છેલ્લાં કેટલાંક વરસોમાં ચીને હિંદ મહાસાગરમાં પ્રભાવ વધાર્યો છે. હિંદ મહાસાગરમાં આવેલા નાના નાના દેશોમાં લશ્કરી થાણાં સ્થાપીને ચીન ખતરો ઊભો કરી રહ્યું છે તેથી ભારતે દરિયાઈ સીમાને સાચવવા પણ ખર્ચ વધારવો પડશે.

ચીન ખુદ છેલ્લાં કેટલાંક વરસોથી પોતાનું સંરક્ષણ બજેટ સતત વધારી રહ્યું છે. 2025માં ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતાં લગભગ ત્રણ ગણું એટલે કે 250 અબજ ડૉલરની આસપાસ હતું. ભારતની જેમ ચીનમાં બજેટનો મોટો ભાગ પગારો કે પેન્શન પાછળ નથી ખર્ચાતો, પણ વધુ ને વધુ ઘાતક મિસાઈલો અને બીજાં હથિયારો બનાવવા પાછળ વપરાય છે. ચીને માત્ર ભારત જ નહીં, પણ અમેરિકા જેવા વિકસિત દેશોને પણ ભૂ પીતાં કરી દે એવાં મિસાઈલ વિકસાવ્યાં છે એ જોતાં ભારતે તેના સમોવડિયા બનવા માટે સંરક્ષણ ખર્ચ વધારવો જરૂરી જ છે.

આવા સિનારિયો વચ્ચે પાકિસ્તાન સાવ ભૂખડીબારસ દેશ છે અને ભારત કરતાં લગભગ ચોથા ભાગનો વિસ્તાર ધરાવે છે છતાં તેનું સંરક્ષણ બજેટ 9 અબજ ડૉલર છે. પાકિસ્તાનના પાડોશીઓમાં બધા તેના જેવા જ ભિખારી છે અને ભારત સિવાય બીજા કોઈ પાડોશી દેશ સાથે મજબૂત દુશ્મનાવટ નથી, છતાં પાકિસ્તાન આટલાં બધાં નાણાં સંરક્ષણ પાછળ ખર્ચે તેનો મતલબ એ થયો કે, પાકિસ્તાન માત્ર ભારત સામે જંગ માટે જ બધા શત્રો-સરંજામનો  ખડકલો કરી રહ્યું છે. પાકિસ્તાન અત્યારે તો ચીનના ખોળામાં બેઠેલું છે એ જોતાં ચીન પણ પાકિસ્તાનને ભરપૂર મદદ કરે છે તેથી પણ ભારતે ખર્ચ વધારવો પડે.

વૈશ્વિક નિષ્ણાતોના મતે, હવે પછીનાં પાંચ વર્ષમાં ભારતનો સંરક્ષણ ખર્ચ લગભગ ચાર ગણો વધીને 400 અબજ ડૉલરને પાર થઈ જશે. આમ છતાં ભારત પાદોશી શત્રુ ચીનને હંફાવવા સક્ષમ થશે કે કેમ તેમાં શંકા છે. તેનું કારણ એ કે, ચીન પોતાની સંરક્ષણ જરૂરીયાતોને સંતોષવાના મામલે આત્મનિર્ભર છે, જ્યારે ભારત રશિયા- અમેરિકા -ફ્રાન્સ સહિતના દેશ પર નિર્ભર છે. આપણે આત્મનિર્ભર ભારતની વાતો કરીએ છીએ પણ ફાઈટર   જેટથી માંડીને એક વોર્નિંગ સિસ્ટમ્સ સુધીની વોર ટેકનોલોજી માટે બીજા દેશો પર નિર્ભર છીએ. ભારત અને ચીનની તાકાતમાં કેટલો મોટો ફરક છે એ બંને દેશોનાં શ્રેષ્ઠ મિસાઈલની સરખામણમી કરશો તો પણ સમજાઈ જશે.

ચીનની સૌથી લાંબી રેન્જની ઓપરેશનલ મિસાઇલ રોડ-મોબાઇલ DF-41 (ડોંગ ફેંગ-41) છે. આ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) 15,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. ચીને DF-5C નામે લિક્વિડ ફ્યુઅલ ધરાવતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) વિકસાવે છે તેની રેન્જ તો 20,000 કિલોમીટરથી વધુ હોવાનું કહેવાય છે. આ મિસાઈલ દુનિયાના કોઈ પણ વિસ્તાર પર ત્રાટકીને તબાહી મચાવી શકે છે.

આવી મિસાઈલ્સના કારણે ભારતમાં તો ગમે ત્યાં ચીન ત્રાટકી શકે અને ચીનમાં બેઠાં બેઠાં યુએસ મેઇનલેન્ડનાં ઠેકાણાંને ખેદાનમેદાન કરી દેવાની ક્ષમતા ચીન પાસે છે. તેની સામે ભારતની શ્રેષ્ઠ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) અગ્નિ-5 મહત્તમ 8000 કિલોમીટરની  ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ ચીનના અડધા વિસ્તારને પણ માંડ કવર કરે એ જોતાં રણમેદાનમાં ભારત બહુ પાછળ છે.

આ સ્થિતી ફાઈટર જેટ સહિતના તમામ મોરચે છે ને તેનું કારણ ભારતની સંરક્ષણ ઉત્પાદનો માટે બીજાં પરની નિર્ભરતા અને ભારતમાં પણ સરકારી સંરક્ષણ ઉત્પાદક કંપનીઓનો `હોતા હૈ, ચલતા હૈ' અભિગમ છે. ઈન્ડિયન એર ફોર્સ (IAF) ના ચીફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ તો વારંવાર આ અંગે જાહેરમાં હતાશા વ્યક્ત કરી ચૂક્યા છે.
મહિના પહેલાં જ એર ચીફ માર્શલે સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં સતત વિલંબની ઝાટકણી કાઢીને કહેલું કે, એર ફોર્સે ચાર-પાંચ વર્ષ પહેલાં ઓર્ડર આપેલો એ ફાઇટર જેટની ડિલિવરી હજુ થઈ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું કે, ભારતનું સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) તૈયાર થશે ત્યારે ભારત તેના પાડોશી દેશોની સમકક્ષ થશે. આ ફાઈટર જેટ 2031માં મળવાનાં છે એ જોતાં હજુ પાંચ વર્ષ તો ભારત ચીનથી એકદમ પાછળ જ રહેશે.

આ પરિસ્થિતિમાં ભારતે આ સ્થિતિ બદલવી પડે અને ડીઆરડીઓ તથા બીજી સરકારી કંપનીઓએ ઝપાટાભેર કામ કરીને આપણાં દળોને સતત અપડેટ કરવાં પડે. ચીન ડિફેન્સ ટેકનોલોજીમાં રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે રગશિયા ગાડાની જેમ ચાલીએ એ નહીં ચાલે, કેમ કે ભારતને સૌથી મોટો ખતરો ચીન તરફથી જ છે.

અમેરિકા કે ફ્રાન્સ જેવા દેશો પોતાનાં જૂનાં થઈ ગયેલાં ફાઈટર જેટ કે વોર ટેકનોલોજી ભટકાડીને રોકડી કર્યા કરે છે પણ તેના જોરે ભારત ચીનને ટક્કર આપી ના શકે કેમ કે અમેરિકા કે ફ્રાન્સ જેવા દેશો ભારત કરતાં બહેતર ટેકનોલોજી હોવા છતાં ચીન સામે વામણાં સાબિત થઈ રહ્યાં છે. આ સંજોગોમાં ભારતે માત્ર આત્મનિર્ભરતાની વાતો કરવાના બદલે સાચા અર્થમાં આત્મનિર્ભર બનીને ચીનને ટક્કર આપે એવાં મિસાઈલ, ફાઈટર જેટ અને બીજાં ઉપકરણો પણ વિકસાવવાં પડે. ભારતની ટેલેન્ટને ડિફેન્સ રિસર્ચમાં જોતરવી પડે.

સંરક્ષણ નિકાસ કરતાં આયાત દસ ગણી

મોદી સરકારની `આત્મનિર્ભર ભારત'ની પહેલના કારણે ભારત સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બની રહ્યો હોવાના દાવા થઈ રહ્યા છે, પણ આ દાવા કેટલા મજબૂત ને કેટલા ખોખલા છે એ વિશે પણ વિચારવું પડે...

ભારત આજે પણ સંરક્ષણ સેક્ટરમાં સૌથી મોટો આયાતકાર દેશ છે અને વિશ્વમાં થતી ડિફેન્સ ઈમ્પોર્ટમાંથી 10 ટકા આયાત એકલું ભારત કરે છે. એની સરખામણીએ `આત્મનિર્ભર ભારત'ની સંરક્ષણ નિકાસ એવી જોરદાર નથી. 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. ડૉલરમાં ગણો તો લગભગ 2.5 અબજ ડૉલર થાય પણ તેની સામે આયાત 25 અબજ ડૉલરથી વધારેની હતી ! યુએસએ, ફ્રાન્સ અને આર્મેનિયા આપણાં સંરક્ષણ ઉત્પાદનના મુખ્ય ખરીદદારો છે, પણ તેમાંથી ફ્રાન્સ અને અમેરિકા તો આપણને મોટા પ્રમાણમાં સંરક્ષણ ઉત્પાદનો પધરાવી પણ જાય છે...!