Fri Oct 09 2026

Logo

મહત્ત્વના ખનીજો માટેના સ્ટોકની નીતિને સરકાર એક મહિનામાં અંતિમ ઑપ આપે તેવી શક્યતા

2026-10-09 19:34:48
Author: Ramesh Gohil
મહત્ત્વના ખનીજો માટેના સ્ટોકની નીતિને સરકાર એક મહિનામાં અંતિમ ઑપ આપે તેવી શક્યતા

નવી દિલ્હીઃ મહત્ત્વનાં ખનીજોનાં સંગ્રહ અથવા તો સ્ટોકની નીતિને એક મહિનામાં અંતિમ ઑપ આપવામાં આવે તેવી શક્યતા સરકારે વ્યક્ત કરી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ, એડવાન્સ ઈલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસ જેવાં વ્યૂહાત્મક ક્ષેત્રોનાં વિકાસને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ ખનીજોનો સ્ટોક જાળવવાનો છે. અમે મહત્ત્વપૂર્ણ ખનીજોનાં સ્ટોકની નીતિને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છીએ અને તેની જાહેરાત એકાદ મહિના પછી કરવામાં આવશે, એમ ખનન ખાતાના સચિવ કેશવ ચંદ્રાએ જણાવ્યું હતું. 

ઔદ્યોગિક સંસ્થા એસોચેમ દ્વારા આયોજિત `ઈન્ડિયા માઈન્સ ઍન્ડ મિનરલ્સ કોન્ક્લેવ 2026' પશ્ચાત્‌‍ ઉક્ત ટિપ્પણી કરતાં તેમણે ઉમેર્યું હતું કે સરકાર ફાસ્ટ ટ્રેક વૅલ્યૂ એડીશનને ધ્યાનમાં લેતાં મુખ્ય બેટરીની સામગ્રી માટે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં ચાર સમર્પિત મહત્ત્વપૂર્ણ ખનીજોનાં પ્રોસેસિંગ પાર્કની દિશામાં પણ કાર્ય કરી રહી છે. 

અગાઉ સરકારે સંરક્ષણ, કૃષિ, ઊર્જા, ફાર્માસ્યુટિકલ, ટેલિકોમ અને અન્ય મહત્ત્વના ક્ષેત્રોની જરૂરિયાતને ધ્યાનમાં લેતા 30થી વધુ મહત્ત્વપૂર્ણ ખનીજોની યાદી બહાર પાડી છે. નોંધનીય બાબત એ છે કે કોપર, લિથિયમ, નિકલ, કોબાલ્ટ, અને રેર અર્થ એલિમેન્ટ જેવાં મહત્ત્વપૂર્ણ ખનીજો ક્લિન એનર્જી ટેક્નોલૉજીનાં વિકાસ અને વિન્ડ ટર્બાઈન, ઈલેક્ટ્રિસિટી નેટવર્ક, ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી ઉત્પાદન જેવાં વિસ્તારિત ઉપયોગને વેગ આપવા માટેના જરૂરી કાચા માલ છે.