નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ અનેક દેશોમાં ક્રૂડ ઓઇલ અને ગેસનો પૂરવઠો પૂર્વવત થવાની સંભાવના છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશમાં ઈંધણની સ્થિતી અંગે સ્પષ્ટતા કરી છે. તેમજ કહ્યું છે દેશમાં કોલસા અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો ઉપલબ્ધ છે. તેમજ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે.
70 ટકા કોલસા આધારિત વીજળી દ્વારા પૂર્ણ થાય છે
આ અંગે કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ સંજીવ કુમાર કાસીએ દેશમાં વીજ ઉત્પાદન અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે ખાતરી આપી છે કે દેશની ખાણો અને વીજ પ્લાન્ટોમાં કોલસાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જેના કારણે ગ્રાહકોને ખૂબ જ ટૂંકા ગાળામાં કોલસો પૂરો પાડી શકાય છે. આજે પણ દેશની કુલ ઉર્જા જરૂરિયાતોનો આશરે 70 ટકા કોલસા આધારિત વીજળી દ્વારા પૂર્ણ થાય છે.
રિફાઇનરીઓ તેમની સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પેટ્રોલ, ડીઝલ અને LPG ના સ્ટોક અને પુરવઠા અંગે વિગતવાર માહિતી આપી હતી. રિફાઇનરીઓ તેમની સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત છે અને ક્રૂડ ઓઇલની પૂરતી ઉપલબ્ધતાને કારણે, પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. સ્થાનિક જરૂરિયાતોને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અનુરૂપ, ખાતર પ્લાન્ટ્સને તેમની જરૂરિયાતના આશરે 95 ટકા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી કુલ 8.9 લાખ LPG સિલિન્ડર વેચાયા
LPG પુરવઠો વધારવા માટે, સરકારે C3 અને C4 સ્ટ્રીમ્સને LPG પૂલમાં વાળવા માટે કડક નિર્દેશો જાહેર કર્યા છે, જ્યારે પેટ્રોકેમિકલ હેતુઓ માટે ફક્ત મર્યાદિત ઉપયોગની મંજૂરી આપી છે. તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ લગભગ 1,600 કેમ્પનું આયોજન કર્યું છે અને લગભગ 14,000 સિલિન્ડરનું વિતરણ કર્યું છે. 23 માર્ચથી અત્યાર સુધી કુલ 8.9 લાખ LPG સિલિન્ડર વેચાયા છે.
56,000 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા
આ ઉપરાંત બજારમાં કાળાબજાર અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે અમલીકરણ પગલાં વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં આશરે 4,000 દરોડા પાડવામાં આવ્યા હતા.જેના પરિણામે 56,000 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. કંપનીઓએ 1770 શો-કોઝ નોટિસ ફટકારી છે. 51 વિતરકોને સસ્પેન્ડ કર્યા છે અને 175 અન્ય લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુજાતા શર્માએ નાગરિકોને ગભરાટથી દૂર રહેવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે.