રાજદ્વારી સંબંધોને નવી દિશા આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક
મુંબઈઃ ભારત અને કેનેડા વચ્ચે તત્કાલીન સરકારના સંબંધો વણસ્યા પછી નવા વડા પ્રધાન માર્ક કાર્ની ભારતના પ્રવાસે પહોંચ્યા પછી હવે બંને દેશ વચ્ચેના નવા સંબંધોનો નવો અધ્યાય લખાશે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની અને તેમનું પ્રતિનિધિમંડળ આજે ભારત આવી પહોંચ્યા છે. સૌથી પહેલા મુંબઈ આવ્યા છે. તેઓ મુંબઈના તાજમહેલ પેલેસ પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાર્ની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ભારતના પ્રવાસે છે.
કેનેડાના વડા પ્રધાનની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોને પુનર્જીવિત કરવા માટે નક્કર પ્રયાસોનો સંકેત આપે છે તેમ જ દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવાના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારતની આર્થિક રાજધાનીથી પોતાનો પ્રવાસ શરૂ કરીને કાર્ની આર્થિક સુમેળને પ્રાથમિકતા આપી રહ્યા છે અને પ્રવાસના પ્રથમ બે દિવસ મિશન માટે મજબૂત વ્યવસાયિક વાતાવરણ બનાવવા માટે કેનેડિયન પેન્શન ફંડના સીઈઓ, નાણાકીય નિષ્ણાતો અને પ્રતિનિધિઓની સલાહ લેવામાં વિતાવશે.
તેમની મુલાકાતનું મુખ્ય આકર્ષણ હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળની વાટાઘાટો હશે, જે 2025માં કનાનાસ્કિસ અને જોહાન્સબર્ગમાં અગાઉ થયેલી વાટાઘાટોને આગળ વધારશે. પીએમ મોદી સાથે તેમની મુલાકાત 2 માર્ચે હૈદરાબાદ હાઉસ ખાતે થવાની છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો અને સંશોધન સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-કેનેડા વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવાનો અને ભારત-કેનેડા સીઈઓ ફોરમ દ્વારા ખાનગી ક્ષેત્રના હિતોને ધ્યાનમાં રાખીને સરકારી નીતિઓ ધડવાનો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો બગડ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ફરી એકવાર સુધરી રહ્યા છે. અગાઉની ટ્રુડો સરકાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે રાજદ્વારી મડાગાંઠ સર્જાઈ હતી અને અધિકારીઓની પરસ્પર હકાલપટ્ટી થઈ હતી. જોકે, વર્તમાન મિશન ઓટ્ટાવાના વલણમાં પરિવર્તન આવ્યું છે. કેનેડાના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નથી માનતા કે કેનેડામાં થયેલા કોઈ પણ ગુનાઓ સાથે ભારતનું કોઈ કનેક્શન હોય.