Wed May 06 2026

Logo

કવર સ્ટોરી: સંરક્ષણ ક્ષેત્રે ભારતની આકાશી છલાંગ

2026-05-06 08:59:19
Author: Nilesh Waghela
Article Image

જાણો ફ્રાન્સ, અમેરિકા અને રશિયાના જેટને પણ ટક્કર આપે એવાં શક્તિશાળી ભારતીય ફાઇટર જેટ વિશે...

- નિલેશ વાઘેલા

મધ્યપૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર કરેલા હુમલા બાદ લગભગ ત્રીજા વિશ્ર્વયુદ્ધમાં તબદીલ થઇ ગયેલી લશ્કરી કવાયતે વિશ્ર્વના તમામ દેશને સંદેશ આપ્યો છે કે શસંરજામ ક્ષેત્રે સ્વાવલંબન અનિવાર્ય છે. આજના જમાનાના અત્યાધુનિક યુદ્ધમાં સેટેલાઇટ ઇમેજ, રડાર સિસ્ટમ, મિસાઇલ, દ્રોણ ટેકનોલોજી, અને ઘાતક હોવા સાથે ઇન્ટેલિજેન્ટ વૉરફેર ટેકનોલોજી ધરાવતા ફાઇટર જેટની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહે છે. 

ભારતે બ્રહ્મોસ મિસાઇલ દ્વારા વિશ્ર્વમાં ડંકો વગાડી દીધો છે અને ઓપરેશન સિંદૂર પછી તો આ ભારતીય મિસાઇલ માટે અનેક દેશના ઓર્ડર મળવા પણ શરૂ થઇ ગયા છે. હાલ ચાલી રહેલા યુદ્ધમાં એક બીજો પાઠ એ ભણવા મળ્યો કે આ યુદ્ધાો કે વાહન માધ્યમો માટે સ્વાવલંબન પણ અનિવાર્ય છે. અખાતના દેશોને રક્ષણ આપવામાં અમેરિકન મશીનરી સંદતર નિષ્ફળ નિવડી છે.

એ જ સાથે આપણે ફ્રાન્સ પાસેથી રાફેલના આધુનિક વર્ઝન તો મેળવી રહ્યાં છીએ, પરંતુ તે આપણે સોર્સ કોડ આપવા તૈયાર નથી. એક નિવૃત્ત લશ્કરી અધિકારીએ એવો મત આપ્યો છે કે સોર્સ કોડ આપે તો પણ આ લગભગ પચાસેક વર્ષ જૂની ટેકનોલોજી ધરાવતા ફાઇટર જેટને આપણા હવાઇદળમાં સ્થાન આપવું ડહાપણ ભર્યું લાગતું નથી. 

ખેર આપણે આજે ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે વધુ એક ગર્વ લેવા જેવી બાબત તરફ નજર દોડાવવી છે. ભારતે રાફેલ અને એસયુ-30 મેક કરતાં વધુ શક્તિશાળી ફાઇટર જેટ વિકસાવ્યું છે. ભારતના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ - એમ્કા) અંગે એક મોટી અપડેટ અનુસાર ડિફેન્સ સાયન્ટિસ્ટ આ કાર્યક્રમ હેઠળ વિકસિત ફાઇટર જેટમાં એવી ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે, જે તેમને રડારથી છટકી જતા લક્ષ્યોને પણ ભસ્મીભૂત કરવા સક્ષમ બનાવશે.

સ્વદેશી પેસિવ ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક (આઇઆરએસટી) સિસ્ટમ

આનાથી વિમાનની ક્ષમતા અનેકગણી વધશે. એમ્કા હેઠળ વિકસિત ફાઇટર જેટ રાફેલ અને એસયુ- 30 એમકેઆઇ કરતાં અનેકગણા વધુ શક્તિશાળી હશે. આ વિમાનો અમેરિકાના એફ-35 અને રશિયન એસયુ -57 સાથે પણ સ્પર્ધા કરશે.

ભારતના સ્વદેશી પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ એમ્કાને મોટો ટેકનોલોજીકલ વેગ મળવાની તૈયારી છે. આ વિમાનમાં એક અત્યાધુનિક, સ્વદેશી પેસિવ ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક (આઇઆરએસટી) સિસ્ટમનો સમાવેશ થશે, જે સ્ટીલ્થ યુદ્ધભૂમિની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકસાવવામાં આવી છે. 

આ સિસ્ટમ કોઈપણ સંકેત છોડ્યા વિના લાંબા અંતર પર ઓછી દૃશ્યતા ધરાવતા દુશ્મન લક્ષ્યોને શોધી શકશે, જેનાથી વિમાનની પોતાની સ્ટીલ્થ ક્ષમતાઓ જળવાઈ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો આ ફાઇટર જેટની નજરમાંથી કોઇપણ શત્રુ જેટ છટકી નહીં શકે. 

આ અદ્યતન આઇઆરએસટી સિસ્ટમની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા તેની ડ્યુઅલ-બેન્ડ ક્ષમતા છે, જે મિડ-વેવ ઇન્ફ્રારેડ (એમડબલ્યુઆઇઆર) અને લોંગ-વેવ ઇન્ફ્રારેડ (એલડબલ્યુઆઇઆર) સ્પેક્ટ્રમ બંનેમાં કાર્યરત છે. આનાથી તે એન્જિનમાંથી ગરમ એક્ઝોસ્ટ પ્લુમ જ નહીં, પરંતુ સ્ટીલ્થ એરક્રાફ્ટના હાર્ડ-બોડી હીટ સિગ્નેચરને પણ શોધી શકે છે. આ સિસ્ટમ આપણાં ફાઇટર જેટને આધુનિક સ્ટીલ્થ ફાઇટર સામે ખૂબ અસરકારક બનાવે છે.

અમેરિકાના એફ -35 અને એફ - 22 રેપ્ટરને પણ ટક્કર આપશે

ઇન્ડિયન ડિફેન્સ ન્યૂઝના એક અહેવાલ મુજબ, આ સિસ્ટમ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ અંતરે એફ-35 લાઇટનિંગ ટુ અને એફ-22 રેપ્ટર જેવા યુએસ સ્ટીલ્થ ફાઇટર જેટને ટ્રેક કરવામાં સક્ષમ હોઈ શકે છે. આ ક્ષમતા, ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યાં રડારનો ઉપયોગ જોખમી હોય, તેમાં ભારતીય વાયુસેના માટે એક મહત્ત્વપૂર્ણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

આ આઇએરએસટી સંપૂર્ણપણે પેસીવ સિસ્ટમ છે. સરળ ભાષામાં કહીએ તો આ સિસ્ટમનોે લાભ એ છે કે તે કોઈપણ રેડિયેશન અથવા સંકેતો ઉત્સર્જિત કરતી નથી. આ ખૂબી દુશ્મનને વિમાનનું સ્થાન શોધવાથી અટકાવે છે અને તેને અત્યાધૂનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ વાતાવરણમાં પણ અસરકારક બનાવે છે. તેને વિમાનના નોઝ સેક્શનમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટાર્ગેટિંગ સિસ્ટમ (ઇઓટીએસ) તરીકે સંકલિત કરવામાં આવશે, જેનાથી વિમાનના રડાર ક્રોસ સેક્શન (આરસીએસ) જળવાઇ રહે.

દુશ્મન માટે બચવું અશક્ય

આ પ્રોજેક્ટ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન - ડીઆરડીઓ)ના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે અને ભારતની સંરક્ષણ ખરીદી પ્રક્રિયાની મેક -ટુ શ્રેણી હેઠળ તેને અનુસરવામાં આવી રહ્યો છે, જે સ્વદેશી તકનીકોને પ્રાથમિકતા આપે છે. તે ગેલિયમ નાઇટ્રાઇડ (જીએએન) ચિપ્સ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવાનું પણ વિચારી રહ્યું છે, જે ઉચ્ચ તાપમાનમાં સુધારિત પ્રદર્શન અને વધુ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. 

વૈજ્ઞાનિકો ક્ધફોર્મલ આઇઆરએસટી ડોમ પર પણ કામ કરી રહ્યા છે, જે વિમાનની સ્ટીલ્થ ક્ષમતાઓને વધુ વધારી શકે છે અને 360-ડિગ્રી સર્વેલન્સને વધુ સક્ષમ કરી શકે છે. સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે હોકર 800 જેવા પ્લેટફોર્મ પર ફ્લાઇટ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે, જે તેની માન્યતા અને શુદ્ધિકરણમાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

સ્વદેશી સંરક્ષણ કાર્યક્રમ નવી ઊંચાઈ તરફ

સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ આઇએરએસટી સિસ્ટમ એમ્કાના એમકે-વન અને એમકે-ટુ બંને પ્રકારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આ સિસ્ટમ ભારતીય વાયુસેનાને, ખાસ કરીને જ્યાં રડાર નિષ્ક્રિય અથવા વિક્ષેપિત થઈ શકે, એવી પરિસ્થિતિઓમાં વ્યૂહાત્મક લાભ આપશે. એકંદરે, આ ટેકનોલોજીને ભારતના સ્વદેશી સંરક્ષણ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.