નવી દિલ્હી : દેશમાં હવાઈ મુસાફરી અંગે સરકારે જાહેર કરેલા નિયમ બાદ હવે સરકાર અને એરલાઈન કંપનીઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે. જેમાં કેન્દ્ર સરકારે એરલાઈન્સ દરેક ફ્લાઈટમાં 60 ટકા સીટ મુસાફરોને ફ્રીમાં એલોટ કરવાનો નિયમ બનાવ્યો છે. જોકે, એરલાઈન કંપનીઓએ હવે તેનો વિરોધ શરુ કર્યો છે. જેમાં દેશની મુખ્ય એરલાઇન્સ એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ હવે આ નિર્ણય વિરુદ્ધ એક થઈ ગઈ છે. તેમની દલીલ છે કે આનાથી ટિકિટના ભાવ વધી શકે છે અને તેની વિપરીત અસર મુસાફરો પર પડશે અને બોજ વધી શકે છે.
એરલાઇન્સ સીટ પસંદગી માટે રૂપિયા 200 થી 2,100 સુધીનો ચાર્જ વસૂલે છે
આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએને નિર્દેશ આપ્યો છે કે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા બેઠકો માટે મુસાફરો માટે સીટ પસંદગી મફતમાં કરવામાં આવે. આ નિયમનો ઉદ્દેશ્ય મુસાફરોને રાહત આપવાનો અને સીટ પસંદગી માટે હાલમાં વસૂલવામાં આવતી અતિશય ફી ઘટાડવાનો છે. હાલમાં, એરલાઇન્સ સીટ પસંદ કરવા માટે રૂપિયા 200 થી રૂપિયા 2,100 સુધીનો ચાર્જ વસૂલ કરે છે.
ફ્લાઈટમાં સીટ પસંદગી ફી તેમની આવકનો નોંધપાત્ર ભાગ
જયારે એરલાઈન કંપનીઓ દલીલ છે કે, ફ્લાઈટમાં સીટ પસંદગી ફી તેમની આવકનો નોંધપાત્ર ભાગ છે. આ ભંડોળ તેમને વધતા જતા ઓપરેશનલ ખર્ચ, જેમ કે ઇંધણ, જાળવણી અને એરપોર્ટ ચાર્જનું સંચાલન કરવામાં મદદ કરે છે. જો આવકનો આ સ્ત્રોત દૂર કરવામાં આવે છે. તો એરલાઇન્સ ટિકિટના ભાવ વધારીને નુકસાનની ભરપાઈ કરશે.
નિયમ લાગુ કરવામાં આવશે તો ટિકિટના ભાવમાં વધારો થશે
આ દરમિયાન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સે જણાવ્યું છે કે જો આ નિયમ લાગુ કરવામાં આવશે તો ટિકિટના ભાવમાં વધારો થશે. એરલાઇન્સ પહેલેથી જ ઓછા નફાના માર્જિન પર કામ કરી રહી છે. તેમજ વધતા ઇંધણના ભાવ અને સંચાલન ખર્ચ તેમના માટે નોંધપાત્ર પડકારો ઉભા કર્યા છે. આ સંજોગોમાં આ નિર્ણય તેમની નાણાકીય સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.