નવી દિલ્હી: દેશમાં વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે કેન્દ્ર સરકારે અનેક સ્તરે ટેકનિકલ અને સંસ્થાકીય પગલાં લીધાં છે. આ અંગે સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં રૂપિયા 8,690 કરોડના ફ્રોડ અટકાવવામાં આવ્યા છે. આ અંગે સંસદમાં જણાવવામાં આવ્યું છે કે ટેકનોલોજી અને વિવિધ એજન્સીઓના સંકલન દ્વારા અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી અટકાવવામાં આવી છે. નવી સિસ્ટમો અને પ્લેટફોર્મ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ
આ અંગે ગૃહ મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા લેખિત જવાબમાં જણાવ્યું કે, સાયબર ફ્રોડને રોકવા માટે વર્ષ 2021 માં સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS)શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમની મદદથી 31 જાન્યુઆરી, 2026 સુધીમાં ₹8,690 કરોડથી વધુના છેતરપિંડીને અટકાવવામાં આવી છે.
24.65 લાખ કિસ્સાઓમાં નાગરિકોના નાણાં સુરક્ષિત કર્યા
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, નોંધાયેલા સાયબર ક્રાઇમ ફરિયાદોના 24.65 લાખથી વધુ કિસ્સાઓમાં નાગરિકોના નાણાં સફળતાપૂર્વક સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જેના પગલે સમયસર ચેતવણીઓ અને નાણાકીય વ્યવહારોને અટકાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ મુદ્દાને ઉકેલવા માટે, સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC)ની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરીને કામગીરીને સરળ બનાવે છે.
27 લાખ મ્યુલ બેંક એકાઉન્ટ શોધાયા
જેમાં બેંકો, ટેલિકોમ કંપનીઓ અને રાજ્ય પોલીસ દળોનો સમાવેશ થાય છે. ગુનેગારોને ઓળખવા માટે એક સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી પણ શરૂ કરવામાં આવી છે. આજ સુધીમાં આ પ્લેટફોર્મ દ્વારા 23 લાખથી વધુ શંકાસ્પદ ઓળખ અને 27 લાખ મ્યુલ બેંક એકાઉન્ટ વિશેની માહિતી શેર કરવામાં આવી છે. તેમજ શંકાસ્પદ વ્યવહારોને સમયસર અટકાવવાને સક્ષમ કરી છેતરપિંડીના કિસ્સાઓને પણ સફળતાપૂર્વક અટકાવ્યા છે.