Mon Aug 17 2026

Logo

Income Tax Rules: ITRમાં ખોટી માહિતી આપી તો ખેર નથી! થઈ શકે છે સાત વર્ષ સુધીની જેલ અને 200 ટકા, જાણો કાયદો!

2026-08-01 21:08:03
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: આવકવેરા રિટર્ન (આઈટીઆર)  ભરતી વખતે ખોટી માહિતી આપવી, આવક છુપાવવી અથવા ખોટા દસ્તાવેજોના આધારે ટેક્સ બચાવવાનો પ્રયાસ કરવો કરદાતાઓને ભારે પડી શકે છે. આવકવેરા વિભાગ હવે આધુનિક ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સની મદદથી આઈટીઆરમાં આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરે છે. આવી સ્થિતિમાં ખોટી માહિતી ઝડપાય તો ભારે દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે.

આવકવેરા કાયદાની કલમ 270 એ  મુજબ જો કોઈ કરદાતા જાણી જોઈને પોતાની આવક છુપાવે અથવા ખોટી માહિતી આપીને ઓછો ટેક્સ દર્શાવે તો તેને 'મિસરિપોર્ટિંગ' ગણવામાં આવે છે. આવા કિસ્સામાં છુપાવવામાં આવેલા ટેક્સની રકમના 200 ટકા સુધી દંડ ફટકારવાની જોગવાઈ છે. ઉપરાંત, આઈટીઆર સમયમર્યાદા બાદ ભરવામાં આવે તો કલમ 234 એફ  હેઠળ રૂ. 5,000 સુધીની લેટ ફી વસૂલવામાં આવી શકે છે. જોકે, કુલ વાર્ષિક આવક રૂ. 5 લાખથી ઓછી હોય તો આ લેટ ફી મહત્તમ રૂ. 1,000 સુધી મર્યાદિત રહે છે.

ખોટી જાહેરાત કરવી અથવા નકલી દસ્તાવેજો રજૂ કરવા ગંભીર કાનૂની ગુનો ગણાય છે. આવકવેરા કાયદાની કલમ 277 હેઠળ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને રૂ. 25 લાખથી વધુની કરચોરી કરે અથવા ખોટી માહિતી આપે તો તેને ઓછામાં ઓછી છ મહિના અને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત ભારે દંડ પણ ફટકારવામાં આવે છે. જો કરચોરીની રકમ ઓછી હોય તો પણ ત્રણ મહિનાથી બે વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

જોકે, દરેક ભૂલને કરચોરી માનવામાં આવતી નથી. આવકવેરા વિભાગ પહેલાં તપાસ કરે છે કે કરદાતાએ ભૂલ જાણબૂઝીને કરી છે કે પછી તે સામાન્ય ભૂલ છે. જો અજાણતાં કોઈ માહિતી છૂટી ગઈ હોય અથવા ખોટી નોંધાઈ હોય તો કરદાતાને 'રિવાઇઝ્ડ આઈટીઆર' દાખલ કરીને પોતાની ભૂલ સુધારવાની તક આપવામાં આવે છે. પરંતુ તપાસ દરમિયાન ટેક્સ બચાવવાના ઈરાદે ખોટા દસ્તાવેજો રજૂ કરવા, નકલી ખર્ચ દર્શાવવા અથવા ખોટા રિફંડનો દાવો કર્યાનું સામે આવે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.

ટેક્સેશન એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ,આઈટીઆર દાખલ કરતાં પહેલાં તમામ આવકના સ્ત્રોત, રોકાણ, કપાત અને દસ્તાવેજોની ચકાસણી કરવી જરૂરી છે. યોગ્ય અને સાચી માહિતી સાથે રિટર્ન ભરવાથી દંડ, કાનૂની કાર્યવાહી અને ભવિષ્યની મુશ્કેલીઓથી બચી શકાય છે.