Tue Jul 28 2026

Logo

પહેલી કવ્વાલીમાં મહિલારાજ 80 વર્ષ પહેલાની હિન્દી ફિલ્મમાં પહેલી વાર રજૂ થયેલી ‘આહેં ન ભરી શિકવે ન કિએ’ના ગાયકો - કલાકારોમાં નારીગણનો પ્રભાવ હતો

2026-03-27 09:45:00
Author: Mumbai Samachar Team
Article Image

હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મ રસિકોમાં કવ્વાલીના ઉલ્લેખ સાથે સૌપ્રથમ સ્મરણ થાય ‘તેરી મેહફિલ મેં કિસ્મત આઝમાકર હમ ભી દેખેંગે’ (મુઘલ - એ - આઝમ) અને સાથે સાથે યાદ આવી જાય ‘ના તો કારવાં કી તલાશ હૈ’ (બરસાત કી રાત) અને ‘આજ ક્યોં હમસે પર્દા હૈ’ (સાધના) તો કેમ ભુલાય? અને હા, સિત્તેરના દાયકાની બે લોકપ્રિય કવ્વાલી ‘પર્દા હૈ પર્દા હૈ’ (અમર અકબર એન્થની) તેમજ ‘હમ કિસી સે કમ નહીં’ પણ ગણાઈ જ જાય. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુવર્ણ દોરમાં (1950 - 60માં) યાદગાર કવ્વાલીઓ રચાઈ એ ખરું, પણ એમાં સર્વપ્રથમ યાદગાર એવી કવ્વાલીનો ખિતાબ ‘ઝીનત’ (1945) ફિલ્મની ‘આહેં ન ભરી શિકવે ન કિએ’ને જાય છે. પ્રથમ કવ્વાલીના લેબલ ઉપરાંત આ કવ્વાલીની એક ખાસિયત એ પણ છે કે એમાં મહિલારાજ ઊડીને આંખે વળગે છે. 

સ્વાતંત્ર્યપૂર્વ ભારતીય ચિત્રપટ ‘ઝીનત’ મુસ્લિમ સોશ્યલ ડ્રામા હતી જેનું દિગ્દર્શન દિલીપ કુમારની પ્રથમ હિટ ફિલ્મ ‘જુગનુ’ આપનારા શૌકત હુસેન રિઝવીએ કર્યું હતું. 1945ની સૌથી સફળ ફિલ્મની કવ્વાલી ખાસ્સી લોકપ્રિય થઈ હતી. એની પહેલી વિશેષતા એ છે કે એ ત્રણ સિંગરે ગાઈ છે અને એ ત્રણેય મહિલા ગાયિકા છે. ત્રણ ગાયિકા છે જોહરાબાઈ અંબાલેવાલી, નૂરજહાં અને કલ્યાણી. જોહરાબાઈ અંબાલેવાલી એ સમયનાં ટોચનાં ગાયિકા હતાં. નૌશાદજીએ સ્વરબદ્ધ કરેલા ‘રતન’ ફિલ્મનાં તેમના ગીત (સાવન કે બાદલો - સુપરહિટ) લોકોએ ખૂબ માણ્યા હતા. લતા દીદીનું સામ્રાજ્ય સ્થપાયા પહેલા નૂરજહાં હિન્દી ચિત્રપટ સૃષ્ટિમાં દબદબો ધરાવતાં હતાં. ત્રીજી ગાયિકા કલ્યાણી ઓછું જાણીતું નામ હતું. જોકે, કલકત્તાની ન્યૂ થિયેટર્સ ફિલ્મ કંપની માટે તેમણે ગીતો ગાયા હતાં. ત્રણ મહિલા સિંગરે કવ્વાલી ગાઈ હોય એવું બીજું ઉદાહરણ ચિત્રપટ સૃષ્ટિમાં મળવું મુશ્કેલ છે.

હવે વાત કરીએ કવ્વાલીના પિક્ચરાઈઝેશનમાં નજરે પડતી સ્ત્રી કલાકારની. શૌકત હુસેન રિઝવી આ કવ્વાલીનું શૂટિંગ ઠાઠથી કરવા માગતા હતા. એ માટે તેમને કેટલાક બાળ કલાકારની જરૂર હતી. ખુર્શીદ અખ્તર (જે પછી શ્યામા તરીકે પ્રખ્યાત થઈ)ના પરિવાર સાથે રિઝવીને પરિચય હતો. 10 વર્ષની ખુર્શીદની પસંદગી કવ્વાલીના બાળ કલાકાર તરીકે કરવામાં આવી. આ ફિલ્મથી તેનો ચહેરો ચિત્રપટ સૃષ્ટિમાં જાણીતો બન્યો અને સહ કલાકાર તરીકે તેને સારી ખ્યાતિ મળી. હેલન પહેલા ડાન્સર તરીકે ખ્યાતિ મેળવનારી કક્કુ 1948ની ‘અંદાઝ’ પછી ટોચની કલાકાર બની ગઈ હતી. ‘ઝીનત’ની બાળ કલાકારોની યાદીમાં કક્કુનું નામ પણ હતું. હીરોઈન તરીકે જામવાની કોશિશમાં નિષ્ફ્ળતા મળ્યા પછી સાઈડ એક્ટ્રેસ તરીકે ખાસ્સી લોકપ્રિયતા મેળવનારી શશિકલાએ પણ આ કવ્વાલીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. અત્યંત નબળી આર્થિક અવસ્થાને કારણે કામ મેળવવા સ્ટુડિયોમાં આંટાફેરા કરતી આઠ વર્ષની શશીકલા પર નૂરજહાંનું ધ્યાન પડ્યું અને તેમની ભલામણને કારણે શશીકલાને ‘ઝીનત’ની કવ્વાલીના બાળ કલાકારોમાં સ્થાન મળ્યું. ત્યારબાદ તેને સતત કામ મળતું ગયું અને કારકિર્દી બની ગઈ. આમ પહેલી કવ્વાલીમાં સ્ત્રીધનનો પ્રભાવ હતો.

દિગ્દર્શક ટ્રિપલ રોલમાં 

હિન્દી ચિત્રપટના ઈતિહાસમાં ડબલ રોલ હોય એવા અનેક ઉદાહરણો છે. સંજીવ કુમારની ફિલ્મ ‘નયા દિન નયી રાત’ના ઉદાહરણને બાદ કરીએ તો એક્ટરે ટ્રિપલ રોલ કર્યા હોય એવા જૂજ દાખલા છે. અભિનય સમ્રાટ દિલીપ કુમારની ‘બૈરાગ’ કે પછી અમિતાભ બચ્ચનની ‘મહાન’નું એના યાદગાર ઉદાહરણ છે. સંજીવ કુમારના ‘નયા દિન નયી રાત’માં નવ રોલ હતા. આશ્ર્ચર્યજનક વાત એ છે કે દિગ્દર્શકનો ટ્રિપલ રોલ હોય એવા એક ઉદાહરણની જાણકારી પુરાવા સાથે ઉપલબ્ધ છે. એથી વધુ હેરત થાય એવી વાત એ છે કે દિગ્દર્શકની જોડીએ ચાર અલગ અલગ ફિલ્મ દિગ્દર્શિત કરી હોય એવું પણ બન્યું છે. વી. જી. દામલે અને શેખ ફતેલાલ એ બે દિગ્દર્શકે સાથે મળી ચાર ફિલ્મ ડિરેક્ટ કરી હોવાની સત્તાવાર નોંધ છે. અલબત્ત, આ મરાઠી ફિલ્મો છે, પણ વાત વિશેષ છે એટલે નોંધ લેવી જ જોઈએ. દામલે - ફતેલાલ દિગ્દર્શિત ત્રણ ફિલ્મ છે ‘ગોપાલ કૃષ્ણ’ (1938), ‘સંત જ્ઞાનેશ્વર’ (1940) અને ‘સંત તુકારામ’ (1948). વી. જી. દામલે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ફિલ્મ ડિરેક્ટર ઉપરાંત સિનેમેટોગ્રાફર અને સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે જવાબદારી પણ નિભાવી હતી. દામલે અને ફતેલાલની સહિયારી ચોથી ફિલ્મ હતી ‘સંત સખુ’. 1941માં રિલીઝ થયેલા ચિત્રપટમાં દામલે, ફતેલાલ ઉપરાંત દિગ્દર્શક તરીકે ત્રીજું નામ છે રાજા નેનેનું. રાજા નેને અભિનેતા તરીકે પણ પ્રખ્યાત હતા. વી. શાંતારામની ‘દુનિયા ના માને’માં તેમણે કામ કર્યું હતું. જ્યારે ફતેલાલે આર્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હોવાની જાણકારી ઉપલબ્ધ છે. એક ફિલ્મ ત્રણ દિગ્દર્શકે મળી બનાવી હોય એવું આ કદાચ એકમાત્ર ઉદાહરણ હશે. નેશનલ સ્ટુડિયોના બેનર હેઠળ મેહબૂબ ખાને નિર્માણ કરેલી ‘નયી રોશની’ બે ગુજરાતી દિગ્દર્શકે સાથે મળી બનાવી હતી. એ જોડી હતી ચીમનકાંત ગાંધી અને લલિત મહેતા. ફિલ્મના કલાકાર હતા સરદાર અખ્તર, હરીશ, હુસ્ન બાનો, કનૈયાલાલ, ભૂદો અડવાણી, આગા વગેરે.