નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે (IMD) સોમવારે દેશના વિવિધ ભાગો માટે હવામાનની આગાહી જાહેર કરીને ઉત્તર, પૂર્વ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ઘણા વિસ્તારોમાં ભારે પવન, વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા થવાની પણ આશંકા છે. બીજી તરફ, રાજસ્થાનમાં આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિઓ નબળી રહેવાને કારણે મોટાભાગના વિસ્તારોમાં હવામાન સરખામણીએ સૂકું રહી શકે છે.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ રાજ્યોમાં સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાલયના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. પૂર્વ ઉત્તર પ્રદેશ માટે પણ સોમવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આખા અઠવાડિયા દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાનું અનુમાન છે.
મુંબઇમાં પારો ઊંચકાયો
મુંબઇમાં વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો ફરી ઊંચકાયો છે. હવામાન વિભાગના અંદાજ અનુસાર લગભગ એક સપ્તાહ સુધી મુંબઇમાં ચોમાસુ વિરામ લેશે ત્યારબાદ તે ફરી સક્રિય થઇ શકે છે. મુંબઇમાં 24 કલાકમાં અલગ-અલગ સ્થળોએ છુટો છવાયો વરસાદ પડી શકે છે. આ વખતે મુંબઇમાં ચોમાસું મોડું પહોંચ્યું છે.
રાજસ્થાનમાં ચોમાસું નબળું રહેશે
IMDના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં આગામી સપ્તાહે ચોમાસું નબળું રહી શકે છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જો કે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ વરસાદી ગતિવિધિઓ સામાન્ય કરતાં ઓછી રહેવાનું અનુમાન છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય અને પશ્ચિમ ભારતનું હવામાન
છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના યથાવત છે. જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાવાઝોડું આવવાનું અનુમાન છે. કોંકણ અને ગોવામાં વ્યાપક વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
લોકોને સતર્ક રહેવાની સલાહ
IMD એ ભારે વરસાદની ચેતવણીવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર સંવેદનશીલ વિસ્તારોમાં જળભરાવ (પાણી ભરાવું), સ્થાનિક સ્તરે પૂર અને વાહનવ્યવહાર ખોરવાવા જેવી સ્થિતિઓ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં હવામાનને લગતા સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.