Sun Mar 08 2026

Logo

હજાર હાથ હોય એને હજાર નામ પણ હોય ને?

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

`કૃષ્ણ'ના નામની અર્થસભર દુનિયામાં ડોકિયું ...

કેનવાસ - અભિમન્યુ મોદી

વિષ્ણુસહસ્ત્રાવલી ઘણાં બધાએ વાંચી હશે. કેટલાય ભાઈ-બહેનોને વિષ્ણુના હજાર નામ મોઢે પણ હશે. વિષ્ણુનો જ આઠમો અવતાર એટલે કે કૃષ્ણ પણ પોતાના હજાર નામ ધરાવે છે. વિશેષતા એ છે કે કૃષ્ણ નામ કોઈ પુષનું પણ હોઈ શકે અને ક્રિશ્ના નામ કોઈ સ્ત્રીનું પણ. જાતિભેદને પણ અતિક્રમી જઈને સર્વમનુષ્યોના દિલ સુધી વ્યાપ્ત થઇ શકે એવું દૈવત્વ ધરાવતા ભગવાન પણ દરેક સંસ્કૃતિ પાસે હોતા નથી. સૌથી જૂના ધર્મોમાંના એક એવા હિંદુ ધર્મના અનેકાનેક દેવી-દેવતાઓ અને ભગવાન-ઈશ્વરોમાંથી કૃષ્ણ આજની તારીખે સૌથી વધુ પ્રખ્યાત છે. લોકહૃદયમાં કૃષ્ણને મળેલી જગ્યા સૌથી વધુ છે તેનાં કારણ ઘણાં હોઈ શકે, પણ આજે વાત છે કૃષ્ણને કારણે ઉદ્ભવેલા અનેક શબ્દોની. એ કૃષ્ણની વાત કરવા માટે જન્માષ્ટમીની રાહ પણ જોવાની શું જરૂર? પ્રેમની ઋતુમાં, વસંતની મૌસમમાં, વેલેન્ટાઇન મંથમાં કૃષ્ણની વાત તો કરવી જ પડે... 
કૃષ્ણ જેવી વિરાટ શક્તિના સેંકડો નામ એવું સૂચવે છે કે ફક્ત એક જ ખાસિયત કે એક જ અર્થ કે થોડીક અર્થછાયાઓ કે અમુક લાક્ષણિકતાઓમાં તે સમાઈ ન શકે. કૃષ્ણ જેવી ગ્રાન્ડ પર્સનાલીટી એક લેબલની નીચે ન આવી શકે. તેમને બોલાવવા માટે, તેની વાત કરવા માટે, તેનું વર્ણન કરવા માટે અનેક નામ જોઈએ માટે જ કાળક્રમે કૃષ્ણના અનેક નામ ઉદભવતા ગયા.  `કૃષ્' શબ્દ સત્તાવાચક છે. વિષ્ણુનું એક નામ કૃશ પણ છે. દ્રવ્યત્વનો પ્રતિષેધ કરેલો હોવાથી તે કૃશ કહેવાય છે. તે અતિસૂક્ષ્મ હોવાથી અભક્તો તેને જોઈ શકતા નથી માટે તે કૃશ કહેવાયા. તેના જેવો જ પણ જુદી જોડણીવાળો શબ્દ કૃષ્ જેમાં સત્તાનો પડઘો છે, એક ઓથોરીટીની પ્રભાવ છે. જ્યારે `ણ' એ આનંદદાયક શબ્દ છે. અહી `ણ' મૂળાક્ષર નથી, શબ્દ છે. ણના ઉચ્ચારણ માટે ફક્ત ગળું ન ચાલે, નાસિકા પણ જોઈએ. નાક અને ગળાના તાલમેલ વડે ણ બોલી શકાય. માનવજીવન ટકાવી રાખવા માટે સૌથી વધુ જરૂરી ઇન્દ્રિય નાસિકા વિના કૃષ્ણનું ઉચ્ચારણ ન થઇ શકે.

કૃષ્ણનાં હજાર નામ તો લોકજીભે છે પણ આવા અદ્ભુત શબ્દ `કૃષ્ણ'ને કારણે હિન્દુસ્તાનની ભાષા કેટલી બધી સમૃદ્ધ થઇ છે તે જાણવું રસપ્રદ છે. કૃષ્ણ શબ્દને પૂર્વર્ગ કે પ્રત્યય તરીકે જોડીને આપણી ગુજરાતી ભાષામાં પણ કેટલા બધા શબ્દો બન્યા છે. રોજબરોજના જીવનમાં, રોજના આર્થિક-સામાજિક વ્યવહારોમાં કે કુદરત અને માનવ વચ્ચેના સંબંધોમાં મહત્ત્!વની ઘટનાઓના નામ કૃષ્ણ ઉપરથી છે. કૃષ્ણ સામાન્ય હિન્દુસ્તાની માણસની જિંદગી સાથે કેટલા વણાઈ ગયા છે એ વાત અચંબિત કરી દે તેવી છે.

કૃષ્ણનો એક અર્થ થાય છે શ્યામ એટલે કે કાળા રંગનું. કાળો રંગ પોતે જ અંધકારનું સૂચક છે અને અંધકાર પોતે રહસ્યનું પ્રતીક. ઉજાસનો રંગ ન દેખાય પણ એના પ્રતાપે દેખાય બધું. જયારે અંધકાર પોતાના શ્યામવર્ણથી બધું ઢાંકી દે  માટે ભારતમાં એક સમયે અમુક વસ્તુઓ કાળા રંગની કુદરતી રીતે મળી આવતી તેનું નામ પણ કૃષ્ણ ઉપરથી પડ્યું. જેમ કે કાળા સરસવના બીને કૃષ્ણક કહેવાતા. મૃગ એટલે કે હરણની ઘણી બધી પ્રજાતિઓ છે. એક પ્રજાતિ છે કાળા હરણની. તેનું ચામડું એક સમયે લોકો વાપરતા. કાળા હરણનું ચામડું એકધાં કાળા રંગનું રહેતું, અર્થાત એમાં કોઈ બીજો રંગ દેખાતો નહિ  તો તેને પણ કૃષ્ણક કહેવાતું.

કંદ એટલે જમીનની અંદર થતું શાક જ નહિ. કૃષ્ણકંદ એ એક કમળનું નામ છે. આપણે જાણીએ છીએ કે વિષ્ણુ અને કમળનો સંબંધ કેટલો ઊંડો છે તો રતાશ પડતા એક કમળને આપણા દેશમાં કૃષ્ણકંદ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ ધ્યાન રાખવું કે કૃષ્ણકમળ એટલે તળાવમાં થતા કમળ નહિ. એક ફૂલવેલનું નામ કૃષ્ણકમળ છે. કૃષ્ણકમળ વેલ એકદમ ઝડપથી ઊગે અને તેના આધારને વીંટળાઈને ખૂબ વિકાસ પામે. તેના ફૂલની ગંધ અને દેખાવ થોડોઘણો કમળ જેવો હોય છે. એ જ રીતે કરેણનું ઝાડ અને તેના ફૂલ તો જોયા હશે. તેની એક પ્રજાતિ કણેર પણ કહેવાય છે. એમાં એક કાળી કણેર આવે છે જે એક સમયે કૃષ્ણકર્ણિયાર તરીકે ઓળખાતી. કૃષ્ણકલિ વળી બીજા એક ઝાડનું નામ છે જેમાં નાનાં નાનાં ફૂલો આવે છે પણ તે મોટી સંખ્યામાં હોય છે.

વનસ્પતિ સિવાય પ્રાણી-પંખીઓના નામ પણ કૃષ્ણ ઉપરથી પડે છે તે આશ્ચર્યની વાત છે. આપણે એના ઉદાહરણની શરૂઆત પ્રાણી-પંખીથી નહિ એક કીટકથી કરશું. કૃષ્ણકકર્ટક નામનો એક કરચલો થાય છે, જે ભારતના અમુક દરિયાકિનારે જોવા મળતો હોય છે. ઓફ કોર્સ, તે કરચલાનો રંગ કાળો છે. કાળા રંગનું બીજું શું હોય? કાગડો. કાગડો ભલે આપણે મન અપ્રિય હોય પણ કૃષ્ણ શબ્દ ફક્ત કોયલના પક્ષે જ આવે અને સફાઈકર્મી, હોશિયાર તથા મહેનતકશ પક્ષી એવા કાગડાને કૃષ્ણનું નામ મળે એવું ન બને ને. આમ પણ, કૃષ્ણની દ્રષ્ટિ તો બધા માટે સરખી હોય. કૃષ્ણકાક એ કાગડાનું નામ છે. જ્યારે કૃષ્ણકાકી એટલે કાળી કાગડી. જો કાગડા-કાગડીનું નામકરણ પણ કૃષ્ણ જેવા શાનદાર નામથી શોભતું હોય તો પાડાને ભેંસ કેમ રહી જાય. કૃષ્ણકાય એટલે પાડો અને કૃષ્ણકાયા એટલે ભેંસ.

કૃષ્ણ શબ્દ જોડાયેલા હોય એવી બીજી પણ અમુક રસપ્રદ વસ્તુઓ જોઈએ. કૃષ્ણકાવળ નામ વાંચીને શ્રવણ વાળું કાવડ ભલે યાદ આવે.  હકીકતમાં તે મહારાષ્ટ્રના જંગલમાં થતી એક જાતની વનસ્પતિ છે, જે માણસને પરસેવો લાવી દે. હા, રક્તપરિભ્રમણ વધારવા માટેની તે ઔષધી વાતનાશક, વિષનાશક અને રક્તશુદ્ધિકર છે. આપણે ફક્ત ઘાટા કેસરી રંગનું જ કેસર જોયું છે. કાળું કેસર પણ આવે છે, જે જુજ પ્રમાણમાં મળતું હોય છે. તેને કૃષ્ણકેશર કહેવામાં આવે છે. આપણે સરસવની વાત કરી. સરસવ સિવાય સરગવાના એક પ્રકારના ઝાડનું નામ કૃષ્ણગંધ છે. ક્યારે પશ્ચિમ ઘાટની જાણીતી કૃષ્ણા નદીનું એક નામ જ કૃષ્ણગંગા છે. કૃષ્ણ શબ્દ નકારાત્મક ભાવ માટે પણ ક્યારેક પ્રયોજાય શકે, જેમ કે કૃષ્ણકોહલ એટલે જુગારી. જ્યારે કૃષ્ણગતરોગ એટલે આંખની કીકીમાં થતો સોજા જેવો રોગ. કૃષ્ણ જે શબ્દમાં હોય તેવા એક શબ્દનો અંતિમ અર્થ છે મરી જવું તે, પરંતુ ફક્ત અવસાન પામવું એમ નહિ. પૃથ્વી ઉપરથી જીવનનૈયા સંકેલીને આત્માની ગતિ સ્વર્ગ સુધી થવી. જેને કૃષ્ણગતિ કહે છે.

જન્મથી લઇને મરણ સુધી કોઈ પણ માણસના જીવનમાં કૃષ્ણ છવાયેલા રહે છે. નાની- મોટી અનેક વસ્તુઓ કે કુદરતી પદાર્થો કે ઘટનાઓમાં કૃષ્ણ વ્યાપ્ત છે. આપણે તેના ભક્તિભાવમાં લીન થઇને એક આદર્શ જીવન જીવવું અને સંસારને બને એટલો સુખમયી બનાવવા માટે યોગદાન આપવું એ જ આપણું ખરું કૃષ્ણકર્મ ગણાશે!