મુંબઈ: મહારાષ્ટ્રના આઈએએસ અધિકારી તુકારામ મુંઢેને મહારાષ્ટ્રમાં 'રિયલ લાઇફ સિંઘમ' તરીકે ઓળખવામાં આવે છે. જોકે, લેખક અરવિંદ જગતાપ સાથેની એક મુલાકાતમાં તેમના જીવન સાથે જોડાયેલો એક હળવો અને રસપ્રદ કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમને વ્યક્તિગત જિંદગી અંગે મહત્ત્વની વાત કરી હતી.
વાતચીત દરમિયાન તુકારામ મુંઢેએ પોતાના એક મિત્રનો એક રોચક કિસ્સો સંભળાવ્યો હતો. આ મિત્ર બોલીવુડની અભિનેત્રી માધુરી દીક્ષિતનો મોટો ચાહક હતો. માધુરી દીક્ષિતના લગ્નના સમાચાર સાંભળીને આ મિત્ર એટલો ભાવુક થઈ ગયો હતો કે તે રડી પડ્યો હતો.
માધુરી દીક્ષિતે વર્ષ 1999માં અમેરિકન કાર્ડિયોવસ્ક્યુલર સર્જન ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. તે સમયે માધુરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી અને તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી, તેથી તેમના લગ્નના સમાચારથી અનેક ચાહકો ભાવુક થયા હતા.
આ કિસ્સો સંભળાવતી વખતે જ્યારે તુકારામ મુંઢેને તેમની પ્રિય અભિનેત્રી કોણ તેવો સવાલ પૂછાયો ત્યારે તેમણે પણ મજાકિયા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, 'હું અહીં કોઈનું નામ કહેવાની હિંમત નહીં કરું, કારણ કે હું સુખી લગ્નજીવનમાં છું.” તેમની આ ટિપ્પણીએ વાતચીતમાં હળવાશ લાવ્યા હતા અને આ કિસ્સો વધુ રસપ્રદ બની ગયો હતો.
ખાસ વાત એ છે કે માધુરી દીક્ષિત તુકારામ મુંઢેની ફેવરિટ અભિનેત્રી નહોતી, પરંતુ તેમના મિત્રની ફેવરિટ હતી. તુકારામ મુંઢેએ પોતાના મિત્રની માધુરી પ્રત્યેની દિવાનગીનો આ કિસ્સો શેર કર્યો હતો.
સામાન્ય રીતે કડક અને શિસ્તપ્રિય અધિકારી તરીકે જાણીતા તુકારામ મુંઢે સાથે જોડાયેલો આ કિસ્સો તેમના વ્યક્તિત્વનું એક અલગ અને રમૂજી પાસું જાણવા મળ્યું છે. તેમની આ વાતચીત હવે સોશિયલ મીડિયા અને ફિલ્મપ્રેમીઓમાં પણ ચર્ચાનો વિષય બની છે.