- આશુ પટેલ
આજે વાત કરવી છે અનોખા આઇએએસ અધિકારી ઇરા સિંઘલની. ઇરા સિંઘલને બાળપણથી જ સ્કોલિયોસિસ નામની બીમારી થઈ હતી. જેને કારણે તેમની કરોડરજ્જુ સીધી રહી શકતી નહોતી. ઈરાએ પ્રાથમિક શિક્ષણ મેરઠની સોફિયા ગર્લ્સ સ્કૂલમાં લીધું. તેમનું બાળપણ સામાન્ય રીતે ન વીત્યું. શારીરિક અક્ષમતા હતી એટલે બધા તેમને વિચિત્ર નજરે જોતાં. જોકે ઈરાના મનમાં બાળપણથી જ ઉચ્ચ સરકારી અધિકારી બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી હતી. એ નાનાં હતાં ત્યારે મેરઠ જિલ્લામાં અવારનવાર તોફાનો થતાં હતાં અને એને કારણે મેરઠમાં અવારનવાર કર્ફ્યૂ લાગતો હતો.
જ્યારે જયારે કર્ફ્યૂ અમલમાં મુકાય ત્યારે ઈરા દરેક વખતે સાંભળતા હતા કેડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટે્રટ (એટલે કે જિલ્લા કલેક્ટરે) કર્ફ્યૂનો આદેશ આપ્યો છે એટલે બાળપણથી જ તેમને લાગતું હતું કે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટે્રટ પાસે ખૂબ સત્તા હોય છે. ત્યારથી તેમના મનમાં મહત્ત્વાકાંક્ષાનું બીજ રોપાયું કે મોટા થઈને મારે પણ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટે્રટ બનવું છે.
એ પછી મોટા થઈને દિલ્હી સ્થળાંતર કર્યું. એ પછી તેમણે દિલ્હીની લોરેટો કોવેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ નેતાજી સુભાષ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજીમાંથી બી.ટેકની ડિગ્રી લીધી. એ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી પણ મેળવી લીધી. તેમણે ફેકલ્ટી ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએની ડિગ્રી મેળવી એ પછી તેમને એક મોટી ક્નફેક્શનરી કંપનીમાં સ્ટે્રટેજી મૅનેજર તરીકે જૉબ મળી.
જોકે તેમને એ નોકરીથી સંતોષ નહોતો. તેમના મનના ઊંડા ખૂણે મહત્ત્વાકાંક્ષા હતી કે મારે સરકારી અધિકારી બનવું છે. એટલે તેમણે `યુનિયન પબ્લિક સર્વિસ કમિશન' એટલે કે યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી. એ વખતે તેમના પરિચિતો અને ઓળખીતા-પાળખીતાઓ તેમની શારીરિક અક્ષમતાને કારણે તેમની મજાક ઉડાવતા હતા.
જોકે એ બધાને જડબાતોડ જવાબ આપતા હોય તેમ 2010માં તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને તેમની પસંદગી આઇઆરએસ (ઇન્ડિયન રેવન્યુ સર્વિસ) અધિકારી તરીકે થઈ, પરંતુ તેમની 62 ટકા શારીરિક અક્ષમતાને કારણે રેવન્યુ ડિપાર્ટમેન્ટે તેમને અધિકારી તરીકે સ્વીકારવાની ના પાડી.
એ પછી તેમણે ફરી વાર 2011ના વર્ષમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી. ફરી વાર તેમની પસંદગી આઇઆરએસ અધિકારી તરીકે થઈ, પણ ફરી વાર તેમને અડિયલ ઉચ્ચ અધિકારીઓએ પોસ્ટિંગ આપવાની ના પાડી. વળી તેમણે 2013માં પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરી, પરંતુ તેમને રેવન્યુ ડિપાર્ટમેન્ટે ફરજ પર લીધા નહીં. દરેક વખતે તેમને શારીરિક અક્ષમતાનું કારણ અપાયું. આમ તેમણે ત્રણ વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ત્રણેય વખતે તેમને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પોસ્ટિંગ અપાઈ, પરંતુ શારીરિક અક્ષમતાનું કારણ આપીને ઉપરી અધિકારીઓએ તેમને પોસ્ટ જૉઇન કરવા દીધી નહીં.
આ પરિસ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિ હોત તો માનસિક રીતે ભાંગી પડી હોત. વર્ષોની મહેનત કરીને પરીક્ષા પાસ કર્યા પછી પણ જો માત્ર શારીરિક અક્ષમતાને કારણે તક ન મળેતો માણસ તૂટી જાય, પરંતુ ઈરા તૂટ્યાં નહીં. ત્રણ-ત્રણ વખત રેવન્યુ સર્વિસમાં પસંદ થવા છતાં પોસ્ટિંગ ન મળ્યું એટલે અકળાઈ ઊઠેલાં ઈરાએ `સેન્ટ્રલ ઍડ્મિનિસ્ટે્રટિવ ટ્રિબ્યુનલ'માં કેસ દાખલ કર્યો અને સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સામે કાનૂની લડાઈ શરૂ કરી. લાંબી કાનૂની લડાઈ ચાલી. આ દરમિયાન તેમણે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે જરૂરી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું. છેવટે 2014ના વર્ષમાં કેસ જીતીને ઈરા આઇઆરએસ અધિકારી બન્યા. જોકે એનાથી તેમણે સંતોષ ન માની લીધો. તેમનું સપનું આઇએએસ અધિકારી બનવાનું હતું. તેમણે 2014માં ફરી વખત યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી અને યુપીએસસીના ટૉપર બન્યા. એટલે કે તે આખા દેશમાં પ્રથમ સ્થાને આવ્યાં! તેઓ સિવિલ સર્વિસિસ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યાં.
એક પ્રેરક વાત એ છે કે ઈરા સિંઘલે ક્યારેય પોતાની શારીરિક અક્ષમતાનો અનામતના આધાર માટે ઉપયોગ ન કર્યો. 2014માં તેમણે યુપીએસસીની પરીક્ષા આપીને જનરલ કૅટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આઇએએસ અધિકારી બન્યા પછી તેમને કસ્ટમ્સ ઍન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પોસ્ટિંગ મળ્યું. આગળ જતાં તે દિલ્હીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બન્યાં. હવે તે અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવી રહ્યાં છે.
ઈરાજી મહિલાઓ, બાળકો અને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓને મદદરૂપ બનવા માટે તત્પર રહે છે. એમણે સાબિત કર્યું કે માણસની ક્ષમતા તેના શરીરની મર્યાદાથી નક્કી થતી નથી, પરંતુ તેના આત્મવિશ્વાસ, મહેનત અને પોતાના લક્ષ્ય માટે લડવાની તૈયારીથી નક્કી થાય છે.
`યુનિયન પબ્લિક સર્વિસ કમિશન'ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો પરિણામની અનિશ્ચિતતા અને લાંબી તૈયારી છતાં મળતી નિષ્ફળતાને કારણે નિરાશ થઈ જાય છે અને ઘણા તો હતાશામાં સરી પડે છે. એવાં યુવક-યુવતીઓએ ઇરા સિંઘલનો કિસ્સો નજર સામે રાખવો જોઈએ. તે એ વાતનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ઘણી વાર ખૂબ પ્રયાસ કર્યા પછી પણ સફળતા મળતી નથી. અને ક્યારેક આકરી પરીક્ષા પાસ કર્યા પછી પણ લડવું પડે છે. પોતાનો હક મેળવવા માટે ક્યારેક કાયદાની મદદ લેવી પડે છે. ક્યારેક ફરીથી પરીક્ષા આપવી પડે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે દુનિયા આપણી ક્ષમતા સ્વીકારે એ પહેલાં આપણે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો પડે.