(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પત્ની સાથે થયેલા ઝઘડા બાદ તેને પાઠ ભણાવવાને ઇરાદે પતિએ 10 વર્ષના માસૂમ દીકરાનો ભોગ લીધો હોવાની આંચકાજનક ઘટના બોરીવલીમાં બની હતી. મનોરી પાસે દરિયામાં ડુબાડી પુત્રની કથિત હત્યા કર્યા પછી વર્સોવામાં બહેનના ઘરે સંતાયેલા આરોપી પિતાને પોલીસે પકડી પાડ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ બંટી કાલિદાસ રાવ (40) તરીકે થઈ હતી. રાવ જૂહુ બીચ પર ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. દરિયાકિનારે ફરવા આવનારા સહેલાણીઓના ફોટા પાડી પરિવારનું ગુજરાન ચલાવતો રાવ પત્ની, 18 વર્ષની દીકરી અને 10 વર્ષના પુત્ર યુવરાજ સાથે મલાડ નજીકના મઢ વિસ્તારમાં રહેતો હતો.
ગોરાઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે પ્રકાશમાં આવી હતી. ગોરાઈ પાસેના કોલેવમ બીચ પરથી બાળકનો મૃતદેહ મળી આવતાં ગોરાઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આસપાસનાં પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી મિસિંગ પર્સનની ફરિયાદોની ચકાસણી કરી હતી. ચકાસણી દરમિયાન બાળક અને તેના પિતા ગુમ હોવાની ફરિયાદ માલવણી પોલીસમાં નોંધાઈ હતી.
રાવ અને પુત્ર ગુમ થયાની ફરિયાદ રાવની પત્નીએ નોંધાવી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. સોમવારે પણ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પછી ગુસ્સામાં રાવ પુત્ર સાથે ઘરની બહાર જતો રહ્યો હતો. મોડી સાંજ સુધી બન્ને ઘરે પાછા ફર્યા નહોતા અને રાવનો સંપર્ક પણ થઈ શકતો નથી. પરિણામે પત્નીએ માલવણી પોલીસને જાણ કરી હતી.
દરમિયાન માલવણી પોલીસે રાવ અંધેરીના વર્સોવામાં હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસે તેને બહેનના ઘરેથી તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાવે કબૂલ્યું હતું કે પત્નીને સજા આપવાને ઇરાદે તેણે દીકરાને પાણીમાં ડુબાડ્યો હતો. વધુ કાર્યવાહી માટે આરોપીને ગોરાઈ પોલીસના તાબામાં સોંપાયો હતો.
ગોરાઈ પોલીસે રાવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે રાવે તેણે આચરેલા ગુનાની જાણ બહેનને પણ કરી હતી.