Tue Aug 18 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ આ વિટામિન વિશે આપણે કેટલું જાણીએ છીએ?

2026-08-18 09:41:00
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક


વિટામિનની વાત આવે ત્યારે મોટાભાગે વિટામિન બી અને ડી વિશે સૌથી વધુ વાત થતી હોય છે. આપણા જેવા સામાન્ય લોકો પણ આ વિટામિનની ઊણપ ઉપર જ નજર રાખતાં હોય છે, પણ બીજું એક વિટામિન છે, જેના વિશે વાત બહુ થતી નથી, પણ આપણા માટે અત્યંત જરૂરી છે. તે વિટામિન છે, વિટામિન K.


વિટામિન K એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, તે એવા વિવિધ પ્રોટીન બનાવવામાં મદદ કરે છે જે લોહી ગંઠાઈ જવા અને હાડકાંના નિર્માણ માટે જરૂરી છે. વિટામિન કે શરીરમાં યકૃત (લીવર), મગજ, હૃદય, સ્વાદુપિંડ (pancreas) અને હાડકાંમાં, એમ બધે હાજરી ધરાવે છે. તે શરીરમાં ખૂબ ઝડપથી વિઘટિત થઈ જાય છે અને પેશાબ કે મળ વાટે બહાર નીકળી જાય છે. આ કારણોસર, તેનું પ્રમાણ શરીરમાં ભાગ્યે જ ઝેરી સ્તર સુધી પહોંચે છે પછી ભલે તેનું સેવન વધુ માત્રામાં કરવામાં આવે.


વિટામિન K  શું કાર્ય કરે છે 


ઘા રૂઝાવવામાં, મજબૂત હાડકાં બનાવવામાં, હૃદયરોગ સામે રક્ષણ આપવામાં વિટામિન કે મદદગાર બને છે. જોકે એની ઊણપ સામાન્ય રીતે તમામ વય જૂથોમાં જોવા મળે છે, પરંતુ નવજાત શિશુઓમાં વધુ સામાન્ય હોય છે.

માતાના દૂધમાં વિટામિન K નું પ્રમાણ ઓછું હોય છે, આના કારણે નવજાત શિશુઓ અને નાનાં બાળકોમાં વિટામિન K ની ઉણપ વધુ જોવા મળે છે. તે 6 મહિના સુધીની ઉંમરના શિશુઓમાં સૌથી સામાન્ય છે.


ઊણપના લક્ષણ શું હોય છે?

વિટામિન Kની ઉણપનું મુખ્ય લક્ષણ અનિયંત્રિત રક્તસ્રાવ છે. પુખ્ત વયના લોકોમાં જોવા મળતાં અન્ય લક્ષણોમાં શરીર પર સહેલાઈથી ઉઝરડા પડવા, માસિક દરમિયાન વધુ રક્તસ્રાવ, માસિકનો દુખાવો (ક્રેમ્પ્સ), પેઢાં અને દાંતમાંથી રક્તસ્રાવ, ઊલટી થવી, પેટેકિયા (ત્વચા પર નાના લાલ ટપકાં), નાકમાંથી રક્તસ્રાવ, કમળો, મળમાં લોહી આવવું, હૃદયના ધબકારા અનિયમિત થવા વગેરે લક્ષણો જોવા મળે છે.


ઊણપનાં કારણ

આપણા ભોજનમાં વિટામિન K થી સમૃદ્ધ પદાર્થોનો અભાવ મુખ્ય કારણોમાંથી એક છે. એવો અંદાજ છે કે વિટામિન Kની દૈનિક જરૂરિયાતનો અડધો ભાગ આંતરડાના બેક્ટેરિયા દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ બેક્ટેરિયામાં કોઈપણ પ્રકારની ખલેલ વિટામિન કે ની ઊણપનું કારણ બની શકે છે. ડાયેરિયા, સીલિયાક રોગ અથવા સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા રોગોને કારણે વિટામિન Kની શોષણની ક્ષમતામાં ઘટાડો પણ એક મહત્ત્વનું કારણ છે. પરિવારમાં વિટામિન K ની ઊણપનો ઇતિહાસ હોય તો પણ આનુવંશિકતાની અસર કારણ બને છે.


ભયસ્થાનો શું છે?

વિટામિન Kની ઊણપ આમ તો, દુર્લભ સ્થિતિ ગણાય છે, પણ જો તે હોય તો જીવલેણ પણ બની શકે છે. આપણે જાણીએ જ છીએ કે, અનિયંત્રિત રક્તસ્રાવ થતો હોય શરીરના કાર્યમાં ગંભીર ખલેલ ઊભી થાય છે. આના પરિણામે અંગોનું નિષ્ફળ જવું (ઓર્ગન ફેલ્યોર), આંચકી આવવી, કોમામાં જવું જેવા ગંભીર જોખમો ઊભાં થાય છે.


શું ધ્યાન રાખવું જોઈએ?


વિટામિન Kની ઊણપથી બચવા માટે કેટલીક વાત ઉપર ધ્યાન આપવાનું જરૂર છે. સૌથી મહત્ત્વનું છે, ઊણપને રોકવા માટે સંતુલિત આહાર અથવા તબીબોની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ દ્વારા પૂરતા પ્રમાણમાં વિટામિન કે મેળવવું. આપણે પહેલા એક વખત ચર્ચા કરી હતી કે એન્ટિબાયોટિક્સનો આડેધડ ઉપયોગ ટાળવો જોઈએ. વિટામિન Kની ઊણપ માટે આ બાબત પણ મહત્ત્વની છે. એન્ટિબાયોટિક્સ, જેવી અમુક દવાઓનો લાંબા ગાળાનો ઉપયોગ આંતરડામાં વિટામિન- K  ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો નાશ કરી શકે છે, જેનાથી વિટામિન ઊંનું સ્તર ઘટી શકે છે. તેથી, જરૂરી છે કે કોઈપણ દવાનો ઉપયોગ આપણે તબીબી માર્ગદર્શન હેઠળ જ કરવું જોઈએ.


મહત્ત્વનો આહાર

સ્વસ્થ આંતરડાનું માઇક્રોબાયોમ વિટામિન કેના શોષણમાં મદદ કરે છે, તેથી આ ફાયદાકારક બેક્ટેરિયાને ટેકો આપવા માટે આહારમાં પ્રોબાયોટિક્સનો સમાવેશ કરવો જોઈએ. નારિયેળના દૂધનું દહીં અને બદામના દૂધનું દહીં જેવા આથા વાળા ડેરી ઉત્પાદનો સારો સ્ત્રોત ગણાય છે.

લીલા પાંદડાવાળાં શાકભાજી, જેમ કે કેલ (સફહય), પાલક, સલગમના પાન, સરસવના પાન, અજમાના પાન; ઉપરાંત ફણગાવેલા કઠોળ, બ્રોકોલી, ફ્લાવર અને કોબી જેવા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.

તો, હવે જ્યારે અન્ય વિટામિનની ઊણપ વિશે વિચારો ત્યારે આ મહત્ત્વના વિટામિનને ભૂલશો નહીં.