Mon Oct 05 2026

Logo

યમનમાં હુતીઓનો મોટો કબજો: મોચા શહેર હાથમાં આવતા બાબ-અલ-મંદેબ પર જોખમ વધ્યું

SANAA   2026-09-10 16:00:16
Author: Mumbai Samachar Team
યમનમાં હુતીઓનો મોટો કબજો: મોચા શહેર હાથમાં આવતા બાબ-અલ-મંદેબ પર જોખમ વધ્યું

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં માહોલ શાંત થવાના બદલે વધારે હિંસક બની રહ્યો છે. ત્યારે હવે સમાચાર જાણવા મળે છે કે ઈરાન-સમર્થિત હુતી બળવાખોરોએ યમનના મોચા (Mocha) શહેર પર કબજો કરી લીધો છે, જે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ (Bab-el-Mandeb Strait)થી 50 માઈલથી પણ ઓછા અંતરે આવેલું છે. આ ઘટનાક્રમ વચ્ચે 'નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે' મોચામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી હોવાનો દાવો કર્યો છે, જ્યારે સાઉદી મોરચે પણ સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો હોય તેવું જણાય છે.  

24 કલાકમાં ચારવાર ઈમરજન્સી

બુધવારે હુતીઓએ દાવો કર્યો હતો કે સાઉદી અરેબિયાએ યમનના અલ-જૌફ, મારબ અને સાદા પ્રાંતો તેમજ તાઈઝ અને લાલ સમુદ્રના બંદર શહેર અલ-હુદાયદાહ પર હુમલા કર્યા હતા. સાઉદી અરેબિયાએ આ હુમલાઓની ખાતરી નથી કરી. આ દરમિયાન, ગુરુવારે સાઉદી શહેર ખમીસ મુશૈતમાં 24 કલાકમાં ચોથી વખત ઇમરજન્સી એલર્ટ આપવામાં આવ્યું છે. 

સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધન અનુસાર, તાજેતરના હુતી હુમલાઓમાં દક્ષિણના ચાર શહેરોમાં ઓછામાં ઓછા 73 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુતીઓએ ખમીસ મુશૈતમાં એક એરબેઝ અને નજીકની તેલ સુવિધાઓને નિશાન બનાવવાની જવાબદારી સ્વીકારી છે. સૈન્ય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, યમનમાં હુતીઓ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક એવા 'બાબ-અલ-મંદેબ' જલડમરુમધ્ય (સ્ટ્રેટ) પર પોતાનો પ્રભાવ વિસ્તારવાની તૈયારીમાં છે. તેઓ આ જળડમરુમધ્યની બિલકુલ નજીક આવેલા મોચા અને ધુબાબ જેવા દરિયાકાંઠાના શહેરો પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રવેશ દ્વાર સમાન જગ્યા

બાબ-અલ-મંદેબ એ લાલ સમુદ્ર (Red Sea) માટે દક્ષિણ પ્રવેશદ્વાર સમાન છે અને તે યમનને આફ્રિકન દેશો જીબુતી અને એરિટ્રિયાથી અલગ પાડે છે. ગલ્ફ દેશોમાંથી કાચું તેલ અને ઈંધણ આ જળમાર્ગ દ્વારા ભૂમધ્ય સમુદ્ર તરફ લઈ જવામાં આવે છે. 

આ ઉપરાંત, તે એશિયા તરફ મોકલવામાં આવતા વિવિધ માલસામાનની હેરફેરને પણ સરળ બનાવે છે. તાજેતરના સમયમાં હુતીઓ અને સાઉદી સમર્થિત યમનની સરકારી દળો વચ્ચેની દુશ્મનાવટમાં વધારો થયો છે. વર્ષ 2022માં સંયુક્ત રાષ્ટ્ર (UN)ની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામે યમનમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને મોટાભાગે અટકાવી દીધો હતો, પરંતુ હવે તે કરાર નબળો પડી રહ્યો હોય તેવું જણાય છે.

હુતીનો કંટ્રોલ વધ્યો

મોચા પર કબજો એ ઘટનાને મોટી સફળતા માનવામાં આવે છે. રાતા સમુદ્રમાં બાબ અલ મંદેબની આસપાસ એમનો કંટ્રોલ અને મજબૂતી વધી રહી છે. હુથીઓ સામે નેશનલ રેઝિસ્ટન્ટસ ફ્રંટે કહ્યું હતું કે, ગુરૂવારે એક કમાન્ડરે સૈન્યની ટુકડી સાથે મોચા સિટીમાં પ્રવેશ લીધો હતો. 

આ સંગઠને જણાવ્યું હતું કે 'હુતી-વિરોધી ગઠબંધન'ના સહયોગથી મોચામાં સુરક્ષા વ્યવસ્થાને પુનર્ગઠિત અને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 'નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ના જણાવ્યા અનુસાર, તેના દળોની હુતી નૌકાદળની ટુકડીઓ સાથે પણ અથડામણ થઈ હતી.