Sun Aug 23 2026

Logo

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઘરના વેચાણમાં સાત ટકાનો ઘટાડો

2026-03-27 19:46:48
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિકગાળામાં દેશનાં સાત મુખ્ય શહેરોમાં ઘરોના વેચાણ ગત સાલના સમાનગાળાના 93,280 યુનિટ સામે નવ ટકાના દરથી વૃદ્ધિ પામીને 1,01,675 યુનિટની સપાટીએ રહ્યું છે, જોકે, પ્રવર્તમાન પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતાં આગલા ત્રિમાસિકગાળાની સરખામણીમાં વેચાણમાં સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું એનારોકે એક અહેવાલમાં જણાવ્યું છે. 

રિઅલ એસ્ટેટ ક્નસલ્ટન્ટ એનારોકની માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં મૂલ્યની દૃષ્ટિએ ઘરોનું વેચાણ ગત સાલના સમાનગાળાના રૂ. 1.42 લાખ કરોડ સામે છ ટકા વધીને રૂ. 1.51 લાખ કરોડની સપાટીએ રહ્યું છે.

જોકે, એનારોકે નિર્દેશ આપ્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિવાદને કારણે સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલા વેચાણમાં મૂલ્યની દૃષ્ટિએ છ ટકાનો અને પ્રમાણની દૃષ્ટિએ સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 
ગત કેલેન્ડર વર્ષના છેલ્લા ત્રિમાસિકગાળામાં દેશનાં મુખ્ય શહેરોમાં વેચાણ 1,08,970 યુનિટનું થયું હતું જેનું મૂલ્ય રૂ. 1.60 લાખ કરોડના સ્તરે રહ્યું હતું.