Fri Sep 11 2026

Logo

અમદાવાદના નિકોલના શોરૂમમાંથી 31 એક્ટિવા ચોરી કરનાર ‘ઘરના ભેદી’ ઝડપાયા, 26 વાહનો રિકવર

2026-04-24 14:20:39
Author: Mayur Patel
અમદાવાદના નિકોલના શોરૂમમાંથી 31 એક્ટિવા ચોરી કરનાર ‘ઘરના ભેદી’ ઝડપાયા, 26 વાહનો રિકવર

અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા એક ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી નવા 31 એક્ટિવાની ચોરી થઈ હતી. મેનેજરે ચાર મહિનાના ગળામાં ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ કર્યો ત્યારે 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 26 એક્ટિવા મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસે કુલ 25.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મળતી વિગત પ્રમાણે, શો-રૂમના ગોડાઉનમાં સાતેક વર્ષથી કામ કરતા શાહિદ ઉર્ફે બડા કાલુ શેખ (ઉં. 19, રહે. નરોડા પાટિયા) અને કિશોરે ભેગા મળીને ગોડાઉનમાંથી એક્ટિવા ચોરી કરવાનો કારસો રચ્યો હતો. આ ચોરીના વાહનો તેઓ ગોડાઉનની બાજુમાં જ આવેલા અન્ય ટુ-વ્હીલરના ગોડાઉનમાં કામ કરતા દિગુરાજ ઉર્ફે દિગુ રાઠોડ (ઉં. 22, રહે. વિરાટનગર) ને રૂ. 15 થી 20 હજારમાં વેચી દેતા હતા. ત્યારબાદ દિગુરાજ આ વાહનો અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વેચી દેતો હતો. 

મેનેજર નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કંપનીનું ગોડાઉન નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલુ છે, જેમાં અંદાજીત 1200 જેટલા ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે. તેમણે ચાર મહિનાના ગળામાં ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો, ત્યારે જાણવા મળ્યું કે, 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હતું. જે બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની ફરિયાદ કરી હતી.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે શાહિદ શેખ, દિગુરાજ અને એક સગીર આરોપીની ધરપકડ કરીને 26 ચોરીના એક્ટિવા રિકવર કર્યા હતા. આરોપીઓ પૈકી સગીર અને શાહિદ હોન્ડાના શો રૂમના ગોડાઉનમાં જ નોકરી કરતા હતાં. જ્યારે દીગુસિંહ બાજુમાં આવેલા TVSના શો રૂમમાં નોકરી કરતો હતો. આરોપી દિગુરાજ સાણંદ, વિરમગામ અને દેત્રોજ સહિતના વિસ્તારોમાં યુવાનોને આ નવા એક્ટિવા માત્ર રૂ. 30થી 35 હજારમાં વેચી દેતો હતો. આ ઉપરાંત, ચોરીના વાહનો ખરીદનારને દિગુરાજ વિશ્વાસ અપાવતો કે જો રસ્તામાં પોલીસ પકડે અથવા રજિસ્ટ્રેશન કે અન્ય દસ્તાવેજો માગે તો તેની સાથે વાત કરાવી દેવી. આવી મોટી વાતો કરીને તે લોકોને ચોરીના વાહનો પધરાવી દેતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ, વાહન ખરીદવા આવનાર ગ્રાહકોને દિગુરાજ નાની ટેકનિકલ ખામી છે અને નજીવા ખર્ચમાં રિપેરિંગ થઈ જશે, એટલે કોઈ વાંધો નહીં આવે તેવું બહાનું કરીને વેચી નાખતો હતો. દિગુરાજ આ ચોરીનું એક્ટિવા ગ્રામ્ય વિસ્તારમાં વેચી દેતો હતો. શાહિદ 18થી 25 હજાર રૂપિયા લેતો, જ્યારે દિગુરાજ એક્ટિવા પર 5000 રૂપિયા કમાતો હતો.